Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સિંધુ નદી પર વિવાદિત ડેમ માટે પાકિસ્તાનમાં ૧૯૬૫ની જંગ જેવો માહોલ : સુપ્રીમના જજ સહિત સેનાએ આપ્યું ફંડ

પાણી મુદ્દે પાક. ભારત સામે લડવા તૈયાર : ૬ ડેમ માટે પબ્લિક ફંડ બનાવાયુ

નવી દિલ્હી તા. ૧૩ : ૨૦૧૬ના ઉરી હુમલા બાદ બંને દેશોમાં પાણીને લઇ સંભવિત વિવાદ હવે એક હકીકત બની ચૂકયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને પાકિસ્તાનની વચ્ચે પાણીની વહેંચણીને લઇ થયેલા કરારોને લઇ સતત કહી રહ્યાં છે. ઉરી હુમલા બાદ પણ સિંધુ જળ સંધિની સમીક્ષા બેઠકમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું, 'લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં.'

એવામાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસાર એ આ પ્રોજેકટ માટે પબ્લિક ફંડ બનાવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં તેમણે આ વિવાદાસ્પદ ડેમ માટે પૈસા એકત્ર કરવાની કોશિષને ભારતની સાથે ૧૯૬૫માં થયેલ જંગ સાથે જોડી. ચીફ જસ્ટિસે પોતે પણ આ કામ માટે ૧૦ લાખ પાકિસ્તાની રૂપિયા દાન કર્યાં.

તેમણે કહ્યું કે ૧૯૬૫ની જંગ દરમ્યાન જેવું ઝનુન દેખાયું, એવું જ હવે ફરીથી આ ડેમના નિર્માણ માટે થશે. આપને જણાવી દઇએ કે PoKના ગિલગિટ બ્લુચિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાન 4500MWનો દિયામેર-ભાષા ડેમ બનાવા માંગે છે.

પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કહ્યું છે કે તેઓ તેના માટે પોતાનો એક મહિનાનો પગાર દાન કરી દેશે. પાકિસ્તાનમાં ભારતની વિરૂદ્ઘ માહોલ ઉભું કરવાનું પરિણામ એ છે કે ગણતરીના દિવસોમાં જ ભંડોળની રકમ ૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. આર્મી અને સુપ્રીમ કોર્ટના કર્મચારી જ નહીં કેટલીય મુખ્ય હસતીઓ જેવી કે પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદી અને કેટલીક ખાનગી સંસ્થાઓએ પણ ડેમ માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના સશસ્ત્ર બળોના ઓફિસરો પોતાનો બે દિવસનો પગાર દાન કરી રહ્યાં છે જયારે જવાનોને આ પ્રોજેકટ માટે એક દિવસનો પગાર દાન કરવાનું ફરજીયાત કરી દેવાયું છે. આ પ્રોજેકટનો એ કહીને પ્રચાર કરાઇ રહ્યો છે કે તેનાથી પાકિસ્તાનમાં પાણીની ગંભીર સમસ્યા દૂર થઇ જશે.

પાકિસ્તાનની કેટલીય સરકારી સંસ્થાઓ પણ હવે મદદ માટે આગળ આવી રહી છે. વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને પણ મદદ કરવા માટે અપીલ કરાઈ રહી છે. પાકિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને હબીબ બેન્કની તરફથી પણ મદદ કરાઇ છે. આમ તો આ ડેમ માટે અંદાજે ૧.૬ ટ્રિલિયન રૂપિયાની જરૂર છે અને હજુ ઘણા પૈસા એકત્ર કરવાના બાકી છે તેના પર પાકિસ્તાનમાં ભારત વિરૂદ્ઘ માહોલથી તેમાં તેજી જોવા મળી છે

પાકિસ્તાનને ઝાટકો ત્યારે લાગ્યો જયારે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરની અંતર્ગત આ પ્રોજેકટને પૂરો કરવાની તેની આશા ચકનાચૂર થઇ ગઇ. ચીને આ મેગા પ્રોજેકટ માટે માલિકી હકનો અધિકાર માંગતા તેની સાથે વાત બની નહીં.

(3:57 pm IST)