Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

અનરાધાર વરસાદ છતાં પાણી માટે તરસી રહ્યા છે મુંબઇવાસીઓ

મુંબઈ તા. ૧૩ : આકાશમાંથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદે બુધવારે બપોરે મુંબઈમાં થોડો વિરામ લીધો. પરંતુ તેમ છતાં મુંબઈવાસીઓની મુશ્કેલી ઓછી નથી થઈ. ઊંચી ઈમારતોમાં રહેનારા લોકોના ઘરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે, કારણ કે વિજળી ન હોવાના કારણે બિલ્ડીંગની ટાંકીઓ સુધી પાણી નથી ચઢી રહ્યું.

આટલું જ નહીં, જેમની પાસે પીવાનું પાણી અને ઘરના કામ માટે પાણીનો સ્ટોક હતો, તે લોકો પણ ખૂબ જ કરકસરતા પૂર્વક પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ જેમના ઘરોમાં પાણી, ખાસ કરીને પીવાના પાણીની સૌથી વધુ અછત છે, તેઓ એક દુકાનથી બીજી દુકાન ભટકી રહ્યા છે. ઘરમાં પીવાનું પાણી ન હોવાના કારણે હવે આ લોકો દુકાનમાંથી પાણીની બોટલ ખરીદવા માટે લાચાર બન્યા છે. જોકે મોટાભાગના દુકાનદાર પાસે મંગળવાર રાત સુધીમાં જ પાણીનો સ્ટોક ખતમ થઈ ચૂકયો હતો.

વિરાર (પશ્ચિમ)ના ડોંગરપાડા, વર્તક રોડ, રામનગર, ગ્લોબલ સિટી, યશવંત નગર જેવા વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં એક ફોન કરવા પર ૧૦ મિનિટમાં પાણીની બોટલની હોમ ડીલિવરી કરવામાં આવતી હતી. તેમાંથી મોટા ભાગની દુકાનો પર તાળા લાગેલા છે. જે દુકાનો ખુલ્લી હતી, તેમાં ગ્રાહકો ખાલી હાથે પાછા આવી રહ્યા છે.

વિરારના વાયકે નગર એનએકસ વિસ્તારમાં રહેનારા ઈન્દ્રજિત સિંહને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવું પડ્યું, તેમ છતાં નિષ્ફળતા હાથ લાગી. તેણે કહ્યું કે, પાંચ લોકોનો પરિવાર છે. પીવાનું પાણી ખૂબ જ ઓછું બચ્યું છે. લાઈટ આવવાના સંકેત પણ ઓછા છે, આથી પાણી માટે ભટકવું પડે છે.(૨૧.૮)

(11:34 am IST)