Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

૧૬૦ વર્ષથી અડગતા અને અનુસાશનનું પ્રતિક : 'ખાખી'

સૌપ્રથમ ઉપયોગથી લઇને ઐતિહાસીક વિગતો સાથેની રોચક માહિતીઃ ભારતીય સૈનિકોના કારણે 'ખાખી' વિશ્વમાં લોકપ્રિય બની : પહેલા વિશ્વયુધ્ધ પછી વધ્યો ખાખીનો ઉપયોગ : એક સમયે મુંબઇમાં'ખાખી'નો વિરોધ પણ થયો હતો

 સામાન્ય રીતે 'ખાખી' ધારીઓ લોકોમાં અલગ તરી આવે છે. આ 'ખાખી' કપડાના ઉપયોગનો ઇતિહાસ ૧૬૦ વર્ષ જૂનો અને ખૂબ જ રોચક છે. 'ખાખી'ની શરૂઆતથી લઇને તેનો વિરોધ, ઉપયોગ અંગે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે.

શરૂઆતના સમયમાં ચટક રંગના કપડા પોલીસ અને સેનાના જવાનો પહેરતા હતા. ૧૦૦ વર્ષ પહેલા પ્રથમ વિશ્વયુધ્ધ સમયે ભારતીય મૂળના પીળા - ભૂરા રંગના કોટનના કપડાએ દુનિયાભરમાં પોતાની અલગ છાપ છોડી હતી. ભલે એની ચર્ચા ઓછી થઇ હતી પણ તેની ઉપયોગીતાનો અહેસાસ ખાસ કરીને સૈનિકોએ કર્યો હતો.

તે સમયે મુફતી પણ તેને મળતા રંગના ઢીલા કપડા પહેરતા હતા. આ રંગના ડ્રેસને સૌપ્રથમ બ્રિટીશ સેનાએ સ્વીકાર ન કર્યો. યુધ્ધની પહેલા જર્મન સેનાએ ખાસ રસ દાખવ્યો હતો. જયારે એમને એમ લાગ્યું કે તેમનો પરંપરાગત ભૂરા રંગનો ડ્રેસ ગરમ વિસ્તારોમાં વધુ ખતરનાક ડાર્ક રંગનો દેખાય છે.

જયારે જર્મન ઉપરાંત ફ્રેન્ચ સૈનિકોનું પણ ધ્યાન 'ખાખી' તરફ આકર્ષીત થયુ હતુ. ૧૮૯૮માં સ્પેનિશ - અમેરિકન યુધ્ધ સમયે અમેરિકી સેનાએ ખાખી રંગના ફાયદાને જોડો હતો પણ પ્રથમ વિશ્વયુધ્ધ સમયે અમેરીકી સેનામાં ખાખીનો ઉપયોગ ઘણો જ વધ્યો હતો. આમ તો ખાખીનો ઉપયોગ આજથી ૧૬૦ વર્ષ પહેલા જ શરૂ થઇ ગયો હતો.

૧૯મી સદીમાં ખાખીના ઉપયોગ અને તેની મહત્તા વધી હતી. દરેક રંગની પોતાની ખાસીયત હોય છે. એવામાં ખાખીને અલગ ઓળખ મળી. ફારસી ભાષામાં 'ખાકી'નો અર્થ 'ધૂળ' થાય છે. અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં બ્રિટિશરોએ જાણ્યું કે, તેમનો પારંપરિક લાલ ચટક રંગના કારણે તેઓ કબાયલી વિરોધીયોનો આસાનીથી નિશાન બની જતા હતા.

આ પહેલા સુધી આર્મી ડ્રેસ ચટક રંગના હતા. જેથી તેઓ વધુ લોકોને પ્રભાવીત કરે પણ ૧૯મી સદીમાં યુધ્ધના ધારા ધોરણોમાં મૂળભૂત બદલાવ જોવાઇ રહ્યો હતો. રાયફલ ટેકનોલોજીનો ઝડપથી વિકાસ થઇ રહ્યો હતો, જેનાથી દુશ્મનને આરામથી નિશાન કરી શકાતો હતો. અફઘાનિસ્તાન જેવા અસામાન્ય વિસ્તારોમાં સ્નાઇપર વધુ ઘાતક થઇ ગયા હતા.

તેવામાં હવે આર્મી માટે એવા કલરના ડ્રેસની જરૂરિયાત પડી જે દુશ્મનને છેતરી શકે. ૧૮૪૬ - ૪૭માં બ્રિટીશ ઓફીસર હૈરી લંબ્સડેન અને તેમના સહાયક વિલીયમ હડસને સૌપ્રથમ પોતાના સૈનિકોના ડ્રેસને સ્થાનિક પરિસ્થિતી મુજબના રંગ અને ડિઝાઇનમાં ફેરવવાના પ્રયોગ કરેલ. તેમણે યુનિફોર્મ ઉપર ચા નો રંગ ચઢાવ્યો. માટી અને કરી પાઉડરનો પણ ઉપયોગ કર્યો હતો.

આવા મટમેલા રંગને ખાખી કહેવાનુ શરૂ થયુ અને લંબ્સડેનની ટુકડી ઉભરતી બ્રિટીશ - ઇન્ડીયન આર્મીની સૌથી સફળ અને પ્રશંસા મેળવનાર મનાઇ હતી. આગળ જતા તેને પાકિસ્તાન આર્મીની ફન્ટીયર ફોર્સના નામે ઓળખાણ મળી. ૧૮૫૬માં એક આદેશ મુજબ સંતરીયોને રાતના સમયે ખાખી પહેરવા કહેવામાં આવ્યુ, જેથી તેઓ સરળતાથી ઓળખાઇ ન શકે. ૧૮૫૭માં બ્રિટીશ આર્મીને ખાખીની ક્ષમતા વિશે સમજાવાયુ. લખનૌ યુધ્ધમાં હડસન મૃત્યુ પામતા બ્રિટીશ સેનાના હિરો તરીકે રજૂ કરાયો હતો.સપ્ટેમ્બર ૧૮૫૮માં ભારતમાં બ્રિટીશ આર્મી ચીફે જાહેરાત કરી કે યુરોપીયન સૈનિકો પાસે બે ખાખી સુટ હોવા જોઇએ. તે સમયે પરંપરાગત ડ્રેસ પહેરવામાં આવતો હતો પણ ખાખી વધુ પહેરાવા લાગી. ૧૮૮૩-૮૪ની આસપાસ ખાખીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ઉપયોગ ત્યારે થયો જયારે ભારતીય સૈનિકોને ઇજીપ્ત મોકલવામાં આવ્યા હતા.

તે સમયે નવા યુનિફોર્મના ખર્ચને લઇને વડોદરા રાજયએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો કે, ઇજીપ્ત ફુંકાતી ધૂળ ભરી આંધીના કારણે ખાખી ખૂબ જ ઉપયોગી છે. રણપ્રદેશમાં કપડા ધોવાની વ્યવસ્થા પણ સીમીત હતી. ભારતીય સૈનિકોમાં ખાખી ઝડપથી લોકપ્રિય બની પણ બ્રિટીશ સૈન્ય દિવસે ખાખી પહેરતા પણ રાતના સમયે તક મળતા તેઓ પોતાના જૂના ડ્રેસ લાલ જેકેટને પહેરી લેતા હતા.

દિલચસ્પ વાત એ છે કે, ૧૮૮૩માં કેટલાક બ્રિટીશ સૈનિકોએ ભારતમાં ફરજ બજાવવા ના પાડી હતી. તેમાં મુખ્ય ત્રણ કારણો હતા અને આ ત્રણ કારણોમાં ખાખી સૌથી ઉપર હતુ. ખાખી ના કારણે સૈનિકો આરામથી છુપાઇ શકતા હતા. જો કે બીજા વિશ્વ યુધ્ધના સમયે ખાખીના કેટલાય વિકલ્પો સામે આવ્યા, જે રંગના ડ્રેસમાં જવાનો જંગલ અને બીજા વિસ્તારોમાં આરામથી છુપાઇ શકતા હતા.

૧૯૧૮ બાદ ખાખીનો ઉપયોગ સામાન્ય લોકોએ પણ કરવાનો શરૂ કર્યો. કોટન ખાખી પેન્ટ પણ પહેરાવા લાગ્યા. ગરમ સીઝનમાં કાળા અને ભૂરા રંગના ડ્રેસની તુલનામાં ખાખી પહેરવુ આસાન હતુ. જયારથી મહિલાઓએ યુધ્ધમાં ભાગ લીધો ત્યારે તેમની પસંદ પણ ખાખી જ રહી. સેનાની જેમ અનુશાસન ધરાવતી ઘણી સંસ્થાઓએ પણ ખાખીને સ્વીકારી.

આરએસએસએ પણ ખાખીનો ઉપયોગ કર્યો કેમકે આ રંગ અનુશાસનનું પ્રતિક બની ગયુ હતુ. પોલીસ ફોર્સ પણ ખાખી રંગમાં આવી ગઇ. મદ્રાસમાં સૌપ્રથમ ખાખીનો ઉપયોગ કરાયેલ. જો કે મુંબઇમાં તેનો વિરોધ થયો અને ૧૯૮૧ સુધી પોલીસ ડાર્ક બ્લુ રંગનો ઉપયોગ કરતુ હતુ.(૪૫.૨)

(11:32 am IST)