Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પાકિસ્તાની રાજકીય પક્ષોના ઘોષણાપત્રોમાં ''કાશ્મીર'' મુદ્દો નામ પુરતોઃ માંસાંતે ચુંટણી

શું પાકિસ્તાનનો '' કાશ્મીર'' રાગ બંધ થયો? આડકતરી રીતે પાકિસ્તાનના ત્રણેય મોટા પક્ષો ભારત સાથે સારા સંબધોની તરફેણમાં: નવાઝના પક્ષે ચીન સાથે નજીકતા અને પરમાણુ શસ્ત્રોની સુરક્ષાને પ્રાથમીકતા આપીઃ દસ સુત્રીય એજન્ડામાં કાશ્મીરને નવમુ સ્થાનઃ ભુટોની પીપીપી પાર્ટીએ ૬૨ પાનાના ઘોષણાપત્રમાં ભારત સાથે સંબધ મજબુત કરવા જણાવ્યું: કાશ્મીરનો છેક ૫૯માં પાના ઉપર ઉલ્લેખઃ ઇમરાન ખાનના ૫૮ પાનાના ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ માત્ર બે વાર કરાયો

નવી દિલ્હીઃ તા.૧૨, ભારત-પાકિસ્તાન સીમાની બંને તરફ મતદાતાઓને રીઝવવા માટે કાશ્મીર એવો મુદ્દો છે જેનો દરેક રાજકીય પાર્ટીઓ લાભ લેવા માંગતી હોય છે. જેથી બંને દેશોની રાજકીય પાર્ટીઓ ચુંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં કાશ્મીર મુદ્દાને હંમેશા પ્રાથમીકતા આપે છે.

પાકિસ્તાનમાં સામાન્ય  ચુંટણીઓ યોજવાની છે ત્યારે આંખે ઉડીને વળગે તેવી વાત  સામે આવી છે. હાલ પાકિસ્તાનમાં ચુંટણી પ્રચાર તેની ચરમસીમાએ છે. અને મતદારોને  પોતાની તરફ આર્કષવા લગભગ બધા પક્ષોએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. તેવામાં આ તમામ રાજકીય પક્ષોમાંથી કાશ્મીર મુદ્દો લગભગ ગાયબ જ છે!!!

 મીડીયાના અહેવાલો મુજબ પાકિસ્તાનના મોટા પક્ષો નવાઝ શરીફનું પીએમએલ-એન, પીટીઆઇ અને પીપીપીના ચુંટણીલક્ષી ઘોષણાપત્રમાં નજર નાખીતો કાશ્મીરનો નામ માત્ર ઉલ્લેખ જ છે. કાશ્મીરને લઇને આક્રમક  રહેલ પાકિસ્તાનની સેના દ્વારા પ્રત્યક્ષ રૂપે સમર્થિત પુર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ સોમવારે પોતાનું  ઘોષણાપત્ર જાહેર કરેલ. ૫૮ પન્નાના આ ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ માત્ર બે વાર કરવામાં આવ્યો છે.!! જયારે ચાર પ્રમુખ વિદેશી મુદ્દાઓમાં કાશ્મીર ત્રીજા નંબરે છે.  જેમાં પીટીઆઇ દ્વારા કાશ્મીર મુદ્દાને યુએનએસસીના પ્રસ્તાવ દાયરામાં સુલજાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું ઘોષણાપત્રમાં જણાવાયું છે.

 જયારે પાકિસ્તાનના સૌથી મોટા પક્ષ પીએમએલએન જે નવાઝ શરીફનો છે. તેમાં ચીન સાથે નજીકતા સાથે પાકિસ્તાનના પરમાણુ હથીયારોની સુરક્ષા પ્રાથમીકતા આપવામાં આવી છે. જયારે ઘોષણાપત્રમાં કાશ્મીરને વિદેશી સંબધો સુધારવાની દ્દષ્ટિએ દસ સુત્રીય એજન્ડામાં નવમુ સ્થાન અપાયું છે. !!! જયારે કાશ્મીર, ફીલીસ્તાઇન અને રોહિગ્યા મુસલમાનો પર થઇ રહેલ કથીત અત્યાચાર  ઉપર સહાનુભુતિ દર્શાવાઇ છે.

પુર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પાર્ટી પીપીપી  દ્વારા ઘોષણાપત્રમાં ભારત સાથે સંબધ મજબુત કરવા અને વાતચીતનો સીલસીલો ચાલુ રાખવા તરફેણ કરાઇ છે. ૬૨ પાનાના ઘોષણાપત્રમાં કાશ્મીરનો મુદ્દો ૫૯માં પાના ઉપર  છે.

પાકિસ્તાનની ત્રણ મોટી પાર્ટીઓના ઘોષણાપત્રોના અભ્યાસ ઉપરથી એ જાણવા મળે છે કે ત્રણેય રાજકીય પક્ષો ભારત સાથે સારા સંબધો ઇચ્છેછે હવે પ્રશ્ન એ છે ઇમરાન ખાનની પીટીઆઇનું સુત્ર'' નયા પાકિસ્તાન'' છે તો શું ઇમરાન ખાનના આ નારામાં કાશ્મીર નથી? નવાઝની પાર્ટીનું સુત્ર છે '' વોટ કો ઇજજત દો'' છે તો કાશ્મીર માટે નવાઝની ઇજજત કયાં છે? જયારે પીપીપી '' બી બી કા વાદા  નિભાના હે, પાકિસ્તાન બચાના હે'' ને વહેતો મુકયો છે. તો એવામાં બિલાવાલ  દ્વારા ઘોષણાપત્રમાંથી કાશ્મીરને બદલે પાકિસ્તાન બચાવવા જોર કેમ છે?

 જો કે કહેવુ જલ્દી ગણાશે કે પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપવાનું છોડી દીધુ છે. આ મહિનાના અંતમાં થનાર ચુંટણીઓમાં મોટા પક્ષોના ઘોષણાપત્રોમાંથી  કાશ્મીરનું ગાયબ થવું એ ઇશારો છે કે હવે કાશ્મીરના નામે પાકિસ્તાનના રાજકીય પક્ષોને મત મળવાના નથી. (૪૦.૩)

(11:01 am IST)