Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

છોકરીઓને ભણાવતા નથી એટલે વર્લ્ડ ઇકોનોમીને થાય છે ર૦,પપ,૬૦૦ અબજ રૂપિયાનું નુકસાન

રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ વિશ્વમાં ૬ થી ૧૭ વર્ષ વય જૂથની આશરે ૧૩.ર કરોડ છોકરીઓને સ્કૂલમાં જવા મળતુ નથી

નવી દિલ્હી તા. ૧૩ :.. વિશ્વમાં છોકરીઓને શિક્ષણ નહીં આપવાથી અથવા તેમના સ્કૂલ-એજયુકેશનમાં અડચણો ઊભી કરવાથી વર્લ્ડ ઇકોનોમીને આશરે ૧પ ટ્રીલ્યન ડોલર (આશરે ૧૦,ર૭,૮૦૦ અબજ રૂપિયા) થી લઇને ૩૦ ટ્રીલ્યન ડોલર (આશરે ર૦,પપ,૬૦૦ અબજ રૂપિયા) નું નુકસાન થાય છે એમ વર્લ્ડ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ગઇકાલે યુનાઇટેડ નેશન્સ દ્વારા 'મલાલા ડે' મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'મિસ્ડ ઓપોર્ચ્યુનિટીઝઃ ધ હાઇ કોસ્ટ ઓફ નોટ એજયુકેટિંગ ગર્લ્સ' માં જણાવવામાં આવ્યું હતું કે 'ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર બે-તૃતીયાંશ છોકરીઓ જ પ્રાઇમરી શિક્ષણ પૂર્ણ કરે છે અને ત્રણ પૈકી માત્ર એક છોકરી લોઅર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણ પુર્ણ કરી શકે છે. છોકરીઓને ભણાવવામાં આવે તો તેમના શિક્ષણનો ઉપયોગ સમાજને થાય છે. જો કોઇ છોકરી સેકન્ડરી એજયુકેશન મેળવે તો તે કામ કરી શકે અને જે અશિક્ષિત છે તેના કરતાં બમણું કમાઇ શકે એમ છે. છોકરીઓ અશિક્ષિત રહે એથી વર્લ્ડ ઇકોનોમીને મોટું નુકસાન થાય છે.'

રીપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ વિશ્વમાં છ થી ૧૭ વર્ષ વય જૂથની આશરે ૧૩.ર કરોડ છોકરીઓને સ્કૂલમાં જવા મળતું નથી.

ગઇકાલે ર૧ મી વરસગાંઠ મનાવનારી મલાલા યુસુફઝઇએ આ મુદ્ે કહ્યું હતું કે, 'આશરે ૧૩ કરોડ છોકરીઓને સ્કુલમાં જવા મળતું નથી. તેઓ એન્જિનીયર, જર્નાલિસ્ટ કે કંપનીની માલિક બની શકવાની નથી. તેઓ નહીં ભણે એથી વર્લ્ડ ઇકોનોમીને નુકશાન થશે અને એની અસર પબ્લીક હેલ્થ અને સ્થિરતા પર થશે.'

કોણ છે મલાલા યુસુફઝઇ?

પાકિસ્તાનની સ્વાત વેલીમાં રહેતી અને છોકરીઓ ભણે એ માટે ઝૂંબેશ ચલાવતી મલાલા યુસુફઝઇને તાલીબાનોએ ર૦૧ર માં ઓકટોબર મહિનામાં માથામાં ગોળી મારી હતી ત્યારબાદ તેને લંડનમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારથી મલાલા વિશ્વભરમાં છોકરીઓના શિક્ષણ માટે અભિયાન ચલાવે છે. યુનાઇટેડ નેશન્સમાં મલાલાએ ર૦૧૩ માં ૧ર જુલાઇએ છોકરીઓના એજયુકેશનના મુદ્ે સ્પીચ આપી હતી એ દિવસથી તેના જન્મ દિવસને 'મલાલા ડે' તરીકે મનાવવામાં આવે છે. તેની બહાદુરી અને સાહસના  કારણે ર૦૧૪ માં માત્ર ૧૭ વર્ષની વયે તેને વિશ્વનો સૌથી પ્રતિષ્ઠીત મનાતો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેને ભારતમાં બાળકો માટે કાર્ય કરતા કૈલાશ સત્યાર્થીની સાથે સંયુકતરૂ.પમાં આપવામાં આવ્યો હતો. (પ-૮)

(11:01 am IST)