Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ક્લબહાઉસ ચેટમાં દિગ્વિજયસિંહનો પલટવાર : પૂછ્યું - શું તમે મોહન ભાગવતની પણ NIA તપાસ કરાવશો?

દિગ્વિજયસિંહે લગભગ 6 વર્ષ જુના સમાચારને ટાકીને આ વાત કરી

નવી દિલ્હી :ક્લબહાઉસ ચેટમાં આર્ટિકલ-370 પર વિવાદિત નિવેદન આપીને ભાજપના નિશાને આવેલા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે પલટવાર કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદે ટ્વીટ કરીને ભાજપને સવાલ કર્યો છે કે શું તમે મોહન ભાગવતજીને પાકિસ્તાન મોકલશો અને તેમની પણ NIA તપાસ કરાવશો? દિગ્વિજયે લગભગ 6 વર્ષ જુના સમાચારને ટાકીને આ વાત કરી હતી. આમાં RSS તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન આપણા ભાઈ જેવો છે. સરકારે તેની સાથે સંબંધો મજબૂત બનાવવા જોઈએ.

આ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ દિગ્વિજય સિંહની NIA દ્વારા તપાસની માંગ કરી હતી. તેમણે ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે દિગ્વિજય સિંહના ફોનની પણ તપાસ થવી જોઇએ.

શનિવારે ક્લબહાઉસ ચેટની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આમાં દિગ્વિજય પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-37૦ હટાવવા માટે માનવતાને નેવે મુકી હતી. દરેકને અંધારકોટડીમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે આ નિર્ણયને પલટી નાખીશું.

(9:49 pm IST)