Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ભારતીય રેલવેની 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ દેશભરમાં 30 હજાર ટનથી વધુ 'પ્રાણવાયુ' પહોચાડ્યો

દેશના વિવિધ રાજ્યોમાં 1734 થી વધુ ટેન્કરમાં 20,182 મેટ્રિક ટન LMO પરિવહન કરી ચુકી છે

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા 30 હજારથી વધુ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં 1734 થી વધુ ટેન્કરમાં 20,182 મેટ્રિક ટન LMO પરિવહન કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ 421 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ તેમની યાત્રા પૂર્ણ કરી છે.

  દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશભરની હોસ્પિટલોમાં મેડીકલ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વિરૂદ્ધ લડાઈમાં ભારતીય રેલ્વે  દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે મેડીકલ ઓક્સિજન પહોચાડી તબીબી ક્ષેત્રને મોટી મદદ પુરી પાડી છે, અને સમય પર ઓક્સિજન મળવાથી એનેક લોકોના જીવ બચ્યા છે.

આશરે 50 દિવસ પહેલા 24 એપ્રિલથી મહારાષ્ટ્રમાં 126 મેટ્રિક ટન ઓક્સિજનની ડિલિવરી સાથે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોની શરૂ થઈ હતી. રેલવે મંત્રાલયએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશના 15 રાજ્યોમાં ઓક્સિજન રાહત પહોંચાડવામાં આવી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે.

(8:04 pm IST)