Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

બંગાળમાં ભાજપ કાર્યકરોની હિંસા બાદ જ્ઞાન આવ્‍યું

હવે જાહેરામાં માફી માગી રહ્યા છે

નવી દિલ્હી : શ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી રાજકીય હિંસાનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં હવે ભાજપના કાર્યકરો સ્પીકર લગાવીને રસ્તા પર માફી માંગવા નીકળી પડ્યા છે.

હિંસામાં સંખ્યાબંધ ભાજપ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે અને એ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. એક તરફ ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ચૂંટણી બાદ ટીએમસીમાં પાછા ફરી રહ્યા છે તો હવે કાર્યકરો ભાજપની સાથે રહીને પસ્તાઈ રહ્યા છે. ઠેર ઠેર ભાજપના કાર્યકરો રીક્ષા પર સ્પીકર લગાવીને ફરી રહ્યા છે અને જાહેરમાં માફી માંગીને કહી રહ્યા છે કે, ભાજપને સમજવામાં અમે થાપ ખાઈ ગયા છીએ.

જોકે ભાજપે આરોપ લગાવ્યો છે કે, ટીએમસીના કાર્યકરો ભાજપના કાર્યકરોને ધમકાવી રહ્યા છે અને તેના કારણે કાર્યકરો માફી માંગવા માટે મજબૂર થયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ટોચના નેતા મુકુલ રોય ભાજપમાં સામેલ થયા બાદ બંગાળ ભાજપમાં મોટુ ભંગાણ પડી ગયુ છે. ભાજપમાંથી નેતાઓનુ પલાયન રોકવામાં કેન્દ્રીય નેતાગીરી પણ સફળ રહી નથી.

ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી રાજીવ બેનરજી પણ હવે ટીએમસીમાં જવા માંગે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજીવ બેનર્જીએ ટીએમસીના ટોચના નેતાઓ સાથે કરેલી મુલાકાત બાદ આ પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. જોકે પોતે ટીએમસીમાં જોડાવા અંગે રાજીવ બેનરજી ઇનકાર કરી રહ્યાં છે.

આ દરમિયાન ભાજપના કાર્યકરો જાહેરમાં માફી માંગી રહ્યા છે. એક જાહેર એલાન કરીને તો કહેવામાં આવ્યું છે કે, “ભાજપા દગાખોર પાર્ટી છે, અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. મમતા બેનરજીનો કોઈ વિકલ્પ ભાજપમાં નથી.

પશ્ચિમ બંગાળના એક જિલ્લામાં તો 300 ભાજપ કાર્યકરો ટીએમસીમાં પાછા ફર્યા છે. તેમનુ કહેવુ હતુ કે, અમે ભૂલથી ભાજપમાં જતા રહ્યા હતા. અમે ફરી ટીએમસી જોઈન કરી રહ્યાં છીએ.

(4:08 pm IST)