Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

તિબેટની સરહદે ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનોની લશ્કરી કવાયત : ભારતે સરહદે ચાંપતી વોચ ગોઠવી

સરહદ નજીક ચીન-પાકિસ્તાનના વિમાનોની સતત હાજરીથી ભારતીય સૈન્ય હાઈએલર્ટ

નવી દિલ્હી :ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત હાજરી જોવા મળી રહી છે. તિબેટની સરહદે ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનોએ લશ્કરી કવાયત કરી હતી. બંને દેશોના લડાકુ વિમાનોએ આ વિસ્તારના આકાશને ધમરોળ્યું હતું. બંનેના સૈન્યની હાજરીથી ભારતે સરહદે ચાંપતી વોચ ગોઠવી છે.

ચીને એક તરફ ભારત સાથેના સરહદી વિવાદો ઉકેલવાના નિવેદનો આપવાનું શરૃ કર્યું છે. બીજી તરફ તિબેટની સરહદમાં પાકિસ્તાન સાથે મળીને સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. પહેલાં ૧૫ દિવસની લશ્કરી કવાયત થવાની હતી, પરંતુ અચાનક ચીન-પાકિસ્તાને એ સમયમર્યાદા વધારીને એક માસ કરી દીધી છે.આ લશ્કરી કવાયતના ભાગરૃપે ચીન-પાકિસ્તાનની સેના હવાથી હવા, હવાથી પાણી અને હવાથી જમીનમાં નિશાન સાધવાની પ્રેક્ટિસ કરે છે. એ દરમિયાન વધુ એક વખત તિબેટના આકાશમાં ચીન-પાકિસ્તાનના લડાકુ વિમાનો ગરજ્યા હતાં. ભારતની સરહદ નજીક ચીન-પાકિસ્તાનના વિમાનોની સતત હાજરી દર્જ થતાં ભારતીય સૈન્ય હાઈએલર્ટ બન્યું છે. તે ઉપરાંત રડાર પર ખાસ વોચ ગોઠવવામાં આવી છે. ઈન્ડિયન એરફોર્સના લડાકુ વિમાનો પણ કોઈ આક્રમક હરકત થાય તો તેનો જવાબ આપવા સજ્જ છે.

ચીનના એરબેઝનો ઉપયોગ કરીને બંને દેશોના લડાકુ વિમાનો સતત ગરજી રહ્યા છે. ચીનની વાયુસેનાના અધિકારીઓ પાકિસ્તાનના ફાઈટર પાઈલટ્સને વિશેષ તાલીમ આપી રહ્યા હોવાનું પણ જણાયું હતું. આવી સ્થિતિ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાં તૈનાત સૈન્યને વધારે સાવચેત રહેવાની સૂચના અપાઈ હતી.

(12:46 am IST)