Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં હાર માટે દોષનો ટોપલો કાર્યકરો પર ઢોળ્યો

કોંગ્રેસ કાર્યકરોએ આ વખતે દિલ દઈને કામ કર્યુ નથીઃ પ્રિયંકા

નવી દિલ્હી, તા. ૧૩ :. લોકસભા ચૂંટણીમાં મળેલા કારમાં પરાજય બાદ કોંગ્રેસના પૂર્વ યુપીના પ્રભારી મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાયબરેલી ખાતે યોજેલી પ્રથમ સમીક્ષા બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય માટે દોષનો સમગ્ર ટોપલો કોંગ્રેસના કાર્યકરો પર ઢોળ્યો છે.

પ્રિયંકા ગાંધીએ પરિણામોની સમીક્ષા કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ કાર્યકરોએ આ વખતે ચૂંટણીમાં દિલ દઈને કામ કર્યુ નથી. જો કે તેમણે કોંગ્રેસના તમામ કાર્યકરને હિંમત બંધાવી હતી અને જણાવ્યું હતુ કે લોકસભા ચૂંટણીમાં મળેલી હારને ભૂલી જઈને હવે કાર્યકરો પક્ષને સુદ્રઢ અને મજબુત બનાવવાના કામમાં લાગી જાય.

રાયબરેલીના ભૂએમઉ ગેસ્ટ હાઉસ ખાતે ૪૦ જિલ્લાના હારેલા કોંગ્રેસના ઉમેદવારો અને જિલ્લા વડાઓ સાથે સમીક્ષા બેઠકમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતું કે અમને ખબર છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ આ વખતે દિલ દઈને આ ચૂંટણીમાં કામ કર્યુ ન હતુ. મને અને તમને બન્નેને ખબર છે કે ચૂંટણીમાં કોણે શું કર્યુ હતું ? પરંતુ પરાજયથી નિરાશ થવાની જરૂર નથી. યુપીમાં ૨૦૨૨ની આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દો.

પ્રિયંકા ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે યુપીમાં રાયબરેલીની જે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે તે કાર્યકર્તાઓના કારણે નહીં, પરંતુ સોનિયા ગાંધીએ આ વિજય અપાવ્યો છે. આપણે હવે સંગઠિત થવું પડશે. જે લોકોએ દિલ દઈને કામ કર્યુ છે તે બધાની માહિતી તમારી પાસે છે અને જેમણે કામ નથી કર્યુ તેમની માહિતી હું રાખીશ.

પ્રિયંકા ગાંધીએ આ સમીક્ષા બેઠકમાં તમામને ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા જણાવતા કહ્યું હતુ કે ૨૦૨૨ની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.

(3:31 pm IST)