Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

'વાયુ'નો વ્યાપ ૯૦૦ કીમીઃ ત્રાટકશે નહિ પણ જોખમ યથાવત

સર્વત્ર ફુંકાતો કાતિલ પવનઃ દરિયો ગાંડોતૂરઃ ભારે વરસાદની આગાહી

વાવાઝોડુ વેરાવળથી ૧૧૦ કિ.મી. દૂરઃ રાજકોટ, જામનગર, દિવ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, વેરાવળ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર રહેશેઃ અમુક વિસ્તારોમાં ૧૦ ઈંચથી વધુ વરસાદની આગાહીઃ હવામાન ખાતુ કહે છે...હજી સ્થિતિ કટોકટી ભરી

રાજકોટ, તા. ૧૩ :. વાયુ વાવાઝોડાએ દિશા ફેરવી છે અને તે હવે ગુજરાતના કાંઠે ત્રાટકશે નહિ પરંતુ રાજ્ય સરકારે જણાવ્યુ છે કે હજુ સ્થિતિ કટોકટી ભરી છે અને હાઈએલર્ટની સ્થિતિ શુક્રવારે સુધી ચાલુ રહેશે. વાવાઝોડુ હાલ વેરાવળથી ૧૧૦ કિ.મી. દૂર છે અને તે ઓમાન તરફ આગળ ધસી રહ્યુ છે પરંતુ તેની અસર સ્વરૂપ સમગ્ર સૌરાષ્ટ્રમાં કાતિલ પવન સુસવાટા સાથે ફુંકાઈ રહ્યો છે, દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. જામનગર, રાજકોટ, દિવ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, વેરાવળ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર હજુ ૪૮ કલાક રહેવાની છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે.

મળતી માહિતી અનુસાર વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિ.મી.નો છે અને તેના ૭૦૦ કિ.મી.ના દાયરામાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો આવે છે જેના કારણે કાતિલ પવન ફુંકાઈ રહ્યો છે. દરિયામાં લોઢ આવી છે અને ભારે વરસાદની આગાહી થઈ છે. હવામાન ખાતાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ

પોરબંદરમાં ત્રાટકવાનુ નથી પરંતુ તેની સિસ્ટમ કાંઠાના વિસ્તારોને અસર કરશે. ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.

હવામાન ખાતાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વાયુએ રસ્તો બદલ્યો છતા કિનારાના વિસ્તારો વાવાઝોડાની ગંભીરતામાં આવે છે. અધિકારીએ કહ્યુ છે કે, સુસવાટા મારતો પવન, ધૂળભરી આંધી અને વરસાદનો ખતરો યથાવત છે. વાવાઝોડાનો મધ્યભાગ ગુજરાતથી થોડો દૂર ગયો છે પરંતુ તેનો દાયરો એટલે કે ઘેરાવ ૯૦૦ કિ.મી.નો છે. જેને કારણે દરીયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને કયાંક કયાંક વરસાદ પણ વરસી રહ્યો છે જે આગામી દિવસોમાં વધવાની સંભાવના છે.

હાલ દરીયાકાંઠાના વિસ્તારોમાં કાતિલ પવન ફુંકાઈ રહ્યો હોવાનો અહેવાલો મળે છે. સરકારી એજન્સીઓ હજુ હાઈએલર્ટ પર જ છે. રાજ્યમાં એનડીઆરએફની ૪૭, એસડીઆરએફની ૪૫, એસઆરપીની ૧૩ અને આર્મીની ૧૧ ટીમો તૈનાત છે. વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સધાઈ રહ્યુ છે. તમામ દળોને હજુ એલર્ટ પર જ રહેવાના આદેશો આપ્યા છે. કુલ ૨.૮૧ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

(3:30 pm IST)