Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ટીસીએસના ૧૦૦ થી વધારે કર્મીના પગાર ૧ કરોડથી વધુ

એક ચતુર્થાંશ કર્મીઓએ કેરિયર અહીંથી શરૂ કરી : અન્ય દિગ્ગજ કંપની ઇન્ફોસીસમાં ૬૦ થી વધારે કર્મચારી હાલ વાર્ષિક ૧.૦ર કરોડની કમાણી કરી રહ્યા છે

બેંગલોર,તા. ૧૩: તાતા કન્સલ્ટન્સી સર્વિસેસ (ટીસીએસ)માં એવા કર્મચારીઓની સંખ્યા ૧૦૦થી વધારે પહોંચી ગઇ છે જેમની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધારે થઇ ગઇ છે. હાલમાં પ્રકાશિત કરવામાં આવેલા નવેસરના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. જે કર્મચારીઓ અંગે વાત કરવામાં આવી છે તે પૈકી એક ચતુર્થાંશ કર્મચારીઓએ પોતાના કેરિયરની શરૂઆત દેશની સૌથી મોટી આઇટી કંપનીમાં કરી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ટીસીએસમાં ૯૧ કરોડપતિ હતા. જે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં વધીને ૧૦૩ ઉપર પહોંચી ગઇ હતી.

આ આંકડામાં સીઇઓ રાજેશ ગોપીનાથન અને સીઓઓ એનજી સુબ્રમણ્યમ સામેલ કરવામાં આવ્યા છે. આઇટી સેક્ટરની એક દિગ્ગજ કંપની ઇન્ફોસીસમાં ૬૦થી વધારે કર્મચારી ૧.૦૨ કરોડથી વધારેની કમાણી કરી રહ્યા છે. ઇન્ફોસીસની જેમ ટીસીએસના વળતરમાં સ્ટોક કમ્પોનેટને સામેલ કરવામાં આવી રહ્યા નથી. ટીસીએસ લાઇફ સાયન્સ, હેલ્થકેર અને પબ્લિક સર્વિસેસ બિઝનેસના હેડ દેબાશીષ ઘોષને વાર્ષિક ૪.૭ કરોડ રૂપિયા મળે છે.

 બિઝનેસ અને ટેકનોલોજી હેડ કૃષ્ણન રામાનુજમની આવક ૪.૧ વાર્ષિક રહેલી છે. કંપનીના બેકિંગ, ફાયનાન્સિયલ સર્વિસ તેમજ ઇન્સ્યોરન્સ હેડ ના કથિવાસનને ૪.૩ કરોડ રૂપિયાની રકમ મળી રહી છે. ટીસીએસ દ્વારા આને વાર્ષિક રિપોર્ટમાં દર્શાવવામાં આવતા નથી. કંપની દ્વારા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 રસપ્રદ બાબત એ છે કે ટીસીએસની સફળતા માટે એક કારણ સિનિયર લીડરશીપ છે. જેમાં સ્થિરતા ઉપયોગી છે.  ટીસીએસને વિશ્વની સૌથી સારી અને મોટી કંપની પૈકી એક તરીકે ગણવામાં આવે છે. તેમાં નોકરી મેળવી લેવાના પ્રયાસ તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે  છે. આ વિશ્વમાં પણ સૌથી સારી પ્રતિષ્ઠત કંપનીઓ પૈકી એક તરીકેની છાપ ધરાવે છે. ભારતની મોટી આઇટી કંપની માર્કેટ મુડીની દ્રષ્ટિએ હાલમાં દેશમાં બીજા સ્થાને છે. આરઆઇએલ પ્રથમ સ્થાન પર રહેલી કંપની છે.

(3:29 pm IST)