Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ખતરો ઘટ્યો, ટળ્યો નથી : હાઈએલર્ટ યથાવત

વાયુ વાવાઝોડાએ ૩ વખત દિશા બદલી છે : પોરબંદરથી ૧૩૦ કિ.મી. દૂર : સતત મોનીટરીંગ કરતા હવામાન શાસ્ત્રીઓ : કરાંચીના દરિયાકાંઠા નજીક 'વાયુ' વાવાઝોડુ સ્થિર થઈ જાય તેવી સંભાવના : જમીન ઉપર નહિં આવે : દરિયામાં જ નબળુ પડી જશેઃ કંડલા બંદરે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે : ખતરો ટળ્યાના અહેવાલોથી કંડલા બંદરના શ્રમિકો પરત ફરવા મક્કમ : તંત્ર સાથે ઘર્ષણ દ્વારકામાં ભારે પવનો ફૂંકાય છે : મોજા ઉછળે છે

રાજકોટ, તા. ૧૩ :  'વાયુ' વાવાઝોડુ પોરબંદરના દરિયામાં ૧૩૦ કિ.મી.ના અંતરે રહી સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે સમાંતર ઓમાન-પાકિસ્તાન તરફ ફંટાયાનું જાહેર થયું છે. પરંતુ ખતરો ટળી ગયો નથી.

વાયુ વાવાઝોડાએ અત્યાર સુધીમાં ૩ વખત દિશા બદલી છે. હવામાન શાસ્ત્રીઓ 'વાયુ'ની ગતિવિધિ ઉપર સતત હજુ ૨૪ કલાક વોચ રાખશે અને બધા હાઈએલર્ટ ઉપર યથાવત ચાલુ રહ્યા છે.

કંડલા સહિતના બંદરો ઉપર આજે સવારે ૯ નંબરનું મહાભયસુચક સિગ્નલ ચાલુ રહ્યા છે.

સૌરાષ્ટ્રના સાગરકાંઠાના બધા જિલ્લામાં ભારે વરસાદ અને ઝંઝાવાતી પવન ફંૂકાવાનું શરૂ થઈ ગયું છે. તમામ તંત્રો સતત એલર્ટ ઉપર છે.

સવારે ૧૦ વાગ્યે મળતા હેવાલો મુજબ કંડલા બંદરે પવનની ગતિ ખૂબ વધી ગઈ છે.

દરમિયાન વાવાઝોડુ ફંટાયાના હેવાલોના પગલે કંડલા બંદરના શ્રમિકો પોતાના નિવાસે પરત ફરવા માગે છે, જયારે સતાધીશો તેમને ઉતાવળ નહિં કરવા અને પરત નહિં ફરવા સમજાવી રહ્યા છે. આ પ્રશ્ને શ્રમિકો સાથે ઘર્ષણ થયાનું ત્યાં ઉપસ્થિત પત્રકારોએ જણાવ્યુ છે.

તંત્રવાહકો શ્રમિકોને પરત ફરવા સમજાવવા ભારે પ્રયાસો કરે છે.

દરમિયાન હવામાન ખાતાએ લોકોને સાવચેત કર્યા છે કે વાવાઝોડુ ફંટાયુ છે પણ ૧૫મી સુધી સહુએ એલર્ટ રહેવુ. ૧૩૦ થી ૧૫૦ કિ.મી. ઝડપે પવનો ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ સાગરકાંઠાના વિસ્તારોમાં પડશે.

સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે 'વાયુ' દરિયામાં પેરેલલ - સમાનાંતર આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-૨ પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-૧માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ ૧૩૫થી લઈને ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકે હજુ પણ થઈ શકે છે.

જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે.. શકયતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાની દિશા બદલાવા પાછળનું કારણ વાયુની નબળા વાતાવરણ સાથેની ટક્કર હોઈ શકે છે.

અરબી સમુદ્રમાં ઉભી થયેલી સિસ્ટમ ઉત્ત્।ર-ઉત્ત્।રપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની ઝડપ ઘટી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થયા બાદ વાયુનો મુકાબલો ઉત્ત્।ર-અરબી સમુદ્રમાં એન્ટી-સાઇકલોન સાથે ટકરાશે. આથી કરાચી દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ સ્થિર થઈ જાય તેવી શકયતા રહેલી છે. એટલે એવી પૂરી શકયતા રહેલી છે કે વાયુ જમીન પર નહીં આવે પરંતુ તે દરિયામાં જ નબળું પડી જશે. જોકે, આ અંગે સાચી પરિસ્થિતિ જાણવા માટે થોડી રાહ જોવી પડશે.

ગુરુવારે સવારે વાયુ પોરબંદરથી ૧૩૦ કિલોમીટર દૂરના અંતરે સ્થિત છે. વાયુ વાવાઝોડું ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું રહેશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી ગયું છે ત્યારે કાંઠાના વિસ્તારોમાં હળવો - ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન ૧૫ જૂન સુધી વાયુ વાવાઝોડાની અસરને પગલે વેરાવળ, ઓખા, દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે વરસાદ પડશે તેમ જણાવાયુ છે.

(11:43 am IST)