Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાવાઝોડુ ફંટાઈ જતા રાહત છતા સરકાર સજાગઃ રૂપાણી

તમામ વિભાગોનું સંકલન કરીને બચાવ-રાહતની અભૂતપૂર્વ આગોતરી વ્યવસ્થાઃ મુખ્યમંત્રીની અકિલા સાથે વાતચીતઃ હાલની સ્થિતિ અને સંભવિત પાછોતરી અસર સંદર્ભે સરકારી તંત્ર ખડેપગેઃ સાંજ સુધી વેઈટ એન્ડ વોચ

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતના કેટલાય વિસ્તારો પર આજે ત્રાટકનારૂ વાવાઝોડુ ફંટાઈ જતા સરકારે અને પ્રજાએ રાહત અનુભવી છે. જો કે સરકાર સાબદી જ છે. સતત થોભો અને રાહ જોવાનું વલણ છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત પર જે મુખ્ય ચક્રાવાતનું જોખમ હતુ તે ઘટયુ છે. વાવાઝોડટુ રૂટ બદલીને ફંટાતા રાહત થઈ છે. વાવાઝોડુ વ્યાપક રીતે નહિ ત્રાટકે પરંતુ વેરાવળ, પોરબંદર તરફ તેની અસર દેખાશે. કુદરતી વાતાવરણમાં થતા ફેરફારને બાબતે સરકારે સતત હવામાન શાસ્ત્રીઓના સંપર્કમાં છે. હાલની પરિસ્થિતિ અને સંભવિત પાછોતરી અસર બાબતે સરકાર સતત એલર્ટ રહી જરૂરી વ્યવસ્થા કરી રહી છે. આજે સાંજ સુધી વિશેષ એલર્ટ રહેવુ પડે તેવી હાલની પરિસ્થિતિ છે.

મુખ્યમંત્રીએ અકિલાને જણાવેલ કે વાવાઝોડાનો વર્તારો મળતા રાજ્ય સરકારે તમામ વિભાગોનું સંકલન કરી બચાવ-રાહત માટે આગોતરી વ્યવસ્થા કરી છે. લોકોને મોટા પ્રમાણમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાતાવરણ સામાન્ય થાય ત્યાં સુધી સરકારી તંત્ર સાબદુ રહેશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગઈકાલે રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુકામ કરી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિની સમીક્ષા કરેલ. તેમણે જણાવેલ કે, 'આપણે વાવાઝોડાની તીવ્રતા સામે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા, શિફટીંગ વગેરેથી 'ઝિરો ટોલરન્સ ઝીરો કેઝયુઆલિટીના ધ્યેયથી વાયુ વાવાઝોડાનો સામનો કરવાનો પુરૂષાર્થ કરવાનો છે.' તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ-મિલ્કત નુકશાન ઢોર-ઢાંખર અને માનવહાનિ ન થાય તેવુ સલામતીભર્યુ આયોજન કરવાની તાકીદ કરતા જણાવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો-ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય.

શ્રી રૂપાણીએ સ્થળાંતરની પ્રક્રિયામાં લોકોનો સહયોગ મળી રહે અને સરળતાથી સમજાવી નિચાણવળા વિસ્તારના લોકોને સલામત સ્થળે આશ્રય અપાય તે બાબત અગ્રસ્થાને રાખવા જણાવ્યુ હતું.

મુખ્યમંત્રીએ કુદરતી પરિસ્થિતિના સામના માટે સરકાર પુરી સજજ હોવાનો નિર્દેષ કરી નાગરિકોના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.

(11:41 am IST)