Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

હાશ...'વાયુ' વિનાશ નહિ વેરેઃ ખતરો ટળી ગયો

ગુજરાત-સૌરાષ્ટ્ર નસીબદાર છેઃ મોડી રાત્રે વાવાઝોડાએ દિશા બદલીઃ વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાયું: પોરબંદર, દ્વારકા, ઓખાને સ્પર્શ કરી નીકળી જશેઃ વાવાઝોડાની કેટેગરી ૧ ને બદલે ૨ કરી દેવામાં આવીઃ જો કે વાવાઝોડાની અસર રહેશેઃ દરિયો તોફાની બનશે, કાતિલ પવન ફુંકાશે અને ભારે વરસાદ પડવાની પણ શકયતાઃ ૨૦૧૪ પછી કુલ ૬ વાવાઝોડાએ ત્રાટકવાની શકયતા વધારી પરંતુ દર વખતે ગુજરાત વિનાશલીલાથી બચી ગયું

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત નસીબદાર હોવાનું જણાય છે. વિનાશ વેરે તેવા વાવાઝોડા 'વાયુ'નો ખતરો હાલતૂર્ત ટળી ગયો હોવાનુ જાણવા મળે છે. 'વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાઈ તેવુ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠે આ વાવાઝોડુ ટકરાશે નહિ પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયા કાંઠાના નજીકથી પસાર થશે જેના કારણે કાતિલ પવન ફુંકાશે અને ભારે વરસાદ પણ પડશે.

પોરબંદર સહિત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સ્કાયમેટે આપતા જણાવ્યુ છે કે વાવાઝોડા 'વાયુ'એ તેની દિશા બદલી નાખી છે અને ગુજરાત પરનો ખતરો ટળી ગયો છે. ગઈકાલે રાત્રે જ આ વાવાઝોડાએ પોતાની દિશા બદલી નાખી હતી. રાત્રે તે વેરાવળથી ૧૫૦ કિ.મી. દૂર હતુ ત્યારે જ તેણે દિશા ફેરવી અને તે ઓમાન તરફ આગળ ધપી રહ્યુ છે. આ ઉપરાંત આ વાવાઝોડાને કેટેગરી ૨ માંથી બહાર કાઢી કેટેગરી ૧ માં મુકી દેવામાં આવ્યુ છે.

જો કે ભારતીય એજન્સીઓએ જણાવ્યુ છે કે, વાવાઝોડાએ દિશા બદલી છે અને તે દરિયામાં દૂર જઈ રહ્યુ છે. હવે તે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકે તેવી શકયતા નથી પરંતુ તેની અસર જોવા મળશે. દરિયો તોફાની રહેશે, પવન ફુંકાશે અને કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે. જો કે સરકારી તંત્ર હાઈએલર્ટ ઉપર છે.

લો પ્રેસરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તીત થયેલ આ વાવાઝોડાની વિનાશકતા પણ ઘટી ગઈ છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીનું કહેવુ છે કે ચક્રાવાતી વાવાઝોડુ 'વાયુ' ગુજરાતમાં ટકરાશે નહિ તે વેરાવળ, પોરબંદર, દ્વારકાને સ્પર્શ કરી નિકળી જશે. પરંતુ તેની અસર કિનારાના વિસ્તારોમાં જોવા મળશે અને પવનની ગતિ જોરદાર રહેશે અને જોરદાર વરસાદ પડશે.

અત્રે એ નોંધનીય છે કે ગુજરાત નસીબદાર છે કારણ કે ૨૦૧૪ પછી કુલ ૬ વાવાઝોડા આવ્યા પરંતુ દર વખતે ગુજરાત વિનાશથી બચી ગયુ છે. નનોક, નિલોફર, અશોબા, ચપાલા, ઓખી, સાગર સહિતના વાવાઝોડા ગુજરાતમાં આવવાના હતા પરંતુ ઘાત દર વખતે ટળી ગઈ હતી.

દરમિયાન મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને કાતિલ પવન પણ ફુંકાઈ રહ્યો છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.(૨-૨)

(10:28 am IST)