Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ચંદ્રયાન-૨ ૧૫મી જુલાઈએ લોંચ : ચંદ્ર પર પગલું મુકાશે

છેલ્લા કેટલાક દિવસથી અટકળો બાદ જાહેરાત : વહેલી પરોઢે ૨.૫૧ મિનિટે ચંદ્રયાન લોંચ થશે : સિવાન

બેંગ્લોર, તા. ૧૨ : ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિક આખરે ચંદ્ર ઉપર પગલું મુકવા માટે તૈયાર છે. ચંદ્ર ઉપર જવા માટેની તૈયારી ભારત દ્વારા કરી લેવામાં આવી છે. ભારતના સ્પેશ મિશન ચંદ્રયાન-૨ના લોંચ માટેની તારીખ આજે જાહેર કરી દેવામાં આવી હતી. ઇસરોના ચેરમેન કે સિવાન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૫મી જુલાઈના દિવસે વહેલી પરોઢે ૨.૫૧ મિનિટે ચંદ્રયાન-૨ને લોંચ કરી દેવામાં આવશે. સિવાને બેંગ્લોરમાં આ મિશન સાથે જોડાયેલી વેબસાઇટ પણ લોંચ કરી હતી. ઇસરોના ચેરમેને માહિતી આપતા કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ને ૧૫મી જુલાઈના દિવસે વહેલી પરોઢે લોંચ કરવામાં આવશે જેમાં ત્રણ હિસ્સા રહેશે. જેમાં લેન્ડરોવર અને ઓર્બીટરનો સમાવેશ થાય છે. રોવર એક રોબોટિક આર્ટિકલ છે જેનું વજન ૨૭ કિલો છે અને લંબાઈ એક મીટર છે. લેન્ડરનું વજન ૧.૧૪ ટન અને લંબાઈ ૩.૫ મીટર છે. આવી જ રીતે ઓર્બીટરનું વજન ૨.૪ ટન અને લંબાઇ ૨.૫ મીટર છે. સિવાને માહિતી આપતા કહ્યું હતું કે, લેન્ડરને ઓર્બીટરની ઉપર રાખવામાં આવશે. લેન્ડર, ઓર્બીટર અને રોવરને એક સાથે કમ્પોઝિટ બોડી કહેવામાં આવે છે. આ કમ્પોઝિટ બોડીને જીએસએલવી એમકે-૩ લોંચ વ્હીકલની અંદર મુકવામાં આવશે. હિટશિલ્ડમાં તેને મુકવામાં આવશે. ૧૫મી જુલાઈના દિવસે લોંચના ૧૫ મિનિટ બાદ જીએસએલવીથી કમ્પોઝિટ બોડીને અલગ કરી દેવામાં આવશે. પ્રોપલસન સિસ્ટમના સળગવાથી કમ્પોઝિટ બોડી ચંદ્ર તરફ આગળ વધશે. થોડાક દિવસ બાદ એક રેટ્રોબર્ન થવાથી આ ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. ત્યારબાદ યોગ્ય સમયે લેન્ડર ઓર્બીટરથી અલગ થશે. લેન્ડર પોતાના પ્રોપલસનનો ઉપયોગ કરીને ચંદ્રથી ૩૦ કિલોમીટરના અંતરે રહેલી સપાટી ઉપર ચાર દિવસ રહેશે. લેન્ડિંગના દિવસે લેન્ડરના પ્રોપલસન સિસ્ટમ તેની વેલાસિટીને ઓછી કરીને લેન્ડરને ચંદ્રના સાઉથ પોલ ઉપર ઉતારવામાં આવશે. આ પ્રક્રિયામાં ૧૫ મિનિટનો સમય લાગશે. ઇસરોના ચેરમેનનું કહેવું છે કે, આ મિશનના સૌથી રોમાંચક પળ તરીકે રહેશે. કારણ કે, ઇસરોએ આ પહેલા આ પ્રકારની ફ્લાઇટને ક્યારે પણ હાથ ધરી નથી. ઇસરોનું કહેવું છે કે, સમગ્ર દેશ માટે આ પળખુબ રોમાંચમાં રહેશે. ચંદ્ર ઉપર લેન્ડ થઇ ગયા બાદ રોવર માટે દરવાજા ખુલી જશે અને રોવર એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી ઉપર ઉતરશે. ઓર્બીટર આ ગાળા દરમિયાન ચંદ્રની સપાટીમાં ફરશે. લેન્ડર પોતાની સાઉથપોલ ઉપર રહેશે અને રોવર ચંદ્ર ઉપર ફરશે. સિવાને કહ્યું હતું કે, ઇસરોનું મિશન સ્પેશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોની સુરક્ષા અને ક્વોલિટી ઓફ લાઇફને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે. સ્પેશ ટેકનોલોજીએ ચક્રવાતી તોફાનમાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી અને બ્રોડબેન્ડ સેવા દૂરગામી વિસ્તારોમાં પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. હાલનો સમય સ્પેશ સાયન્સ ઉપર કેન્દ્રિત કરવાનો છે. બીજા ગ્રહ ઉપર શક્યતા ચકાસવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દુનિયા ચંદ્ર પર કેમ જવા માટે ઉત્સુક બની છે.....

ભારત, ચીન, અમેરિકા વચ્ચે સ્પર્ધા

નવીદિલ્હી, તા. ૧૨ : અમેરિકા, ચીન અને રશિયા બાદ હવે ભારતે પણ મિશન મૂનની તરફ ઝડપથી આગેકૂચ કરી લીધી છે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરો ૧૫મી જુલાઈના દિવસે મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન-૨ લોંચ કરશે. ચીને થોડાક સમય પહેલા જ અંતરિક્ષ યાન ચાંગ ઇ-૪ ચંદ્ર ઉપર ઉતાર્યું હતું. અમેરિકાએ પણ વર્ષ ૨૦૨૪ સુધી ચંદ્ર ઉપર માનવ મિશન મોકલવાની તૈયારી કરી છે. આવી સ્થિતિમાં નવી સ્પેશ સ્પર્ધા શરૂ થઇ છે. ચંદ્રના ડાર્ક હિસ્સા ઉપર સૌથી પહેલા પહોંચનાર ભારત બનનાર છે. મહાશક્તિઓની યોજના ચંદ્ર ઉપર વસતી સ્થાપિત કરવાની છે. આના ભાગરુપે ચીને ચંદ્ર ઉપર ખનન પ્રક્રિયા પણ શરૂ કરી છે. તેની યોજના ૨૦૩૬ સુધી ચંદ્ર ઉપર એક ચોક્કસ સ્થળ બનાવવાની છે. ચીન ચંદ્રના ટાઇટેનિયમ, યુરેનિયમ અને લોખંડ તથા પાણીનો ઉપયોગ રોકેટ નિર્માણ માટે કરવા ઇચ્છુક છે.

(12:00 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST