Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

નિરવ મોદીને ફટકો : જામીન આપવા કોર્ટનો સ્પષ્ટ ઇનકાર

૧૩૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં આરોપી : સતત ત્રણ વાર જામીન અરજી ફગાવી દેવામાં આવી છે

લંડન, તા. ૧૨ : પંજાબ નેશનલ બેંકને આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવી દેનાર ફરાર હિરા કારોબારી નિરવ મોદીને લંડન હાઈકોર્ટે મોટો ફટકો આપ્યો છે. લંડનના રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે તેને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. આજે આ મામલામાં સુનાવણી પુરી થયા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ પહેલા વેસ્ટમિનિસ્ટર કોર્ટ દ્વારા સતત ત્રણ વખત તેની જામીન અરજીને ફગાવી દેવામાં આવી હતી. નિરવ મોદીને ૧૯મી માર્ચના દિવસે ૧૩૦૦૦ કરોડના કૌભાંડના આરોપમાં સ્કોટલેન્ડ યાર્ડમાં પકડી લેવામાં આવ્યો હતો. તેના પ્રત્યાર્પણ માટે ભારતીય તપાસ સંસ્થાઓ સતત પ્રયાસ કરી રહી છે. ચુકાદો સંભળાવતા હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું હતું કે, આ મામલા માટે નક્કર કારણો છે કે, નિરવ મોદી જામીન ઉપર છુટી ગયા બાદ ફરીથી કાયદા સમક્ષ શરણાગતિ સ્વીકારશે નહીં. અરજી પર સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલે તર્ક આપ્યો હતો કે, નિરવ મોદી લંડનમાં મૂડી એકત્રિત કરવા માટે આવ્યા છે. જો તેમને જામીન મળશે તો પોતાને એક ઇલેક્ટ્રોનિક સાધનથી ટેગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે જેથી તેમને ટ્રેક કરી શકાશે. તેમની સામે પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે જેથી ફરાર થઇ જવા માટે કોઇ કારણ નથી. તેમના પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે જેથી તેઓ અવરજવર કરતા રહેશે. નિરવ મોદીના વકીલના તર્ક ઉપર વાંધો ઉઠાવતા કોર્ટમાં ભારત સરકારનો પક્ષ મુકનાર પ્રોસીક્યુશને કહ્યું હતું કે, આરોપ ફોરજરી અને અપરાધિક કૃત્યના છે. આના ઉપર ન્યાયાધીશે કહ્યું હતું કે, આ માત્ર આરોપ છે. ૮મી મેના દિવસે નિરવ મોદી ત્રીજી વખત કોર્ટમાં રજૂ થયા હતા પરંતુ તેમની જામીન અરજીને તે વખતે પણ ફગાવી દેવામાં આવી હતી. નિરવ મોદીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની જામીન અરજીઓની અવગણના થઇ રહી છે.

(12:00 am IST)