Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડુ તો આવશે પરંતુ તેના કારણે વરસાદ ખેંચાવવાની સંભાવના

નવી દિલ્હી : દિલ્હી સહિત સમગ્ર ઉતર ભારતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દેશમાં આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું શરૂ થયું છે. આ દરમિયાન હવે એક 'વાયુ' નામની એક નવી મુસિબત આવી છે. અરબી સમુદ્રમાં જન્મેલું  'વાયુ' નામનું વાવઝોડું તેજ ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દેશ પર પડી શકે છે. હવામાન ખાતાને એ ચિંતા થઇ ગઇ છે કે, આ  'વાયુ' વાવાઝોડુ કયાંક દેશમાં જામેલા ચોમાસાના વાદળોને પણ પોતાની સાથે ખેંચીને ન લઇ જાય. જો, આમ થશે તો તેની સૌથી વધુ અસર ઉતર ભારતમાં થશે.

જો  'વાયુ' વાવાઝોડાના કારણે ઉતર ભારતમાં ચોમાસુ બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે. ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડયો હોવાને કારણે અનેક જળાશયો અત્યારથી ખાલી થઇ ગયા છે કે પછી તેમનું જળસ્તર ઘણુ જ નીચે જતું રહ્યું છે. હવે, જો આવી સ્થિતીમાં વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા સર્જાશે. જેના પરિણામે ઉતર ભારતમાં દુષ્કાળની સ્થિતી પણ સર્જાઇ શકે છે.

 'વાયુ'  વાવાઝોડુ અરબી સમુદ્રમાં ૧૩પ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે ૧૩ જુનના રોજ સવારે અથવા બપોર સુધીમાં ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય નાના બંદરો પર અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડના કારણે રાજયના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના વ્યકત કરાઇ છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં પુર પણ આવી શકે છે.   'વાયુ'  વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું હોવાના કારણે તેની અસર મુંબઇના સમુદ્રકાંઠાના વિસ્તાર પર પણ થવાની સંભાવના છે. મુંબઇના સમુદ્ર કિનારાના  વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પણ સમુદ્રની નજીક ન જવાની સલાહ અપાઇ છે.

(6:02 pm IST)