Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

'વાયુ'નું કાઉન્ટડાઉન શરૃઃ વાવાઝોડાએ દિશા બદલીઃ પહેલા વેરાવળ અને દિવ વચ્ચે ટકરાવાનુ હતુ પરંતુ હવે પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશેઃ તિવ્રતા યથાવત

પરોઢે ૩ વાગ્યે વાવાઝોડુ ત્રાટકશે : ૪૮ કલાક સુધી સૌરાષ્ટ્રના કાંઠા ધમરોળશેઃ ૧૫મીએ દ્વારકાથી બહાર નિકળી દરીયામાં સમાઈ જશે

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉચાટનો માહોલઃ સરકાર ગમે તે પરિસ્થિતિના સામના માટે સજ્જઃ ગાંધીનગરમાં મીટીંગોના દોરઃ તમામ જિલ્લાઓમાં ટીમો સજ્જ

રાજકોટ, તા. ૧૨ :. 'વાયુ' વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી પહોંચતા તેની અસર શરૂ થઈ છે. કાંઠાના વિસ્તારોમાં પવન ફુંકાવા લાગ્યો છે, વરસાદી માહોલ છવાયો છે અને દરીયો ગાંડોતૂર બન્યો છે. વાવાઝોડુ વેરાવળથી નજીક છે જે આવતીકાલે સવારે ૩ વાગ્યે ટકરાશે. ૪૮ કલાક સુધી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોને ધમરોળ્યા બાદ તે દ્વારકાથી બહાર નીકળી દરીયામાં સમાઈ જશે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલુ હોવાથી વિનાશ વેરે તેવી શકયતા હોવાથી લોકોમાં ઉચાટનો માહોલ છવાયો છે.

આવતીકાલે વાવાઝોડુ સવારે ૩ વાગ્યે ટકરાશે. આ વાવાઝોડુ પહેલા વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનુ હતુ પણ હવે તેણે દિશા બદલી છે અને હવે તે પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. જો કે વેરાવળ ને પણ હીટ કરશે. તેની તિવ્રતા યથાવત રહેશે. ૧૫૫ થી ૧૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે તેમ હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યુ છે.

જાણવા મળતી વિગતો અનુસાર વાવાઝોડુ દિવ, ઉના, કોડીનારમાં ૧૬૫ કિ.મી.ની ઝડપે ત્રાટકશે જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોને અસર કરી ૧૫મીએ વહેલી સવારે દ્વારકાથી બહાર નીકળી દરીયામાં સમાઈ જશે. વિન્ડી ડોટ કોમના જણાવ્યા પ્રમાણે કાલે ૩ વાગ્યે વલસાડને અસર કરી ૫ વાગ્યે દિવ, ઉના, વળાંકબારા, કોડીનાર, સોમનાથ, તાલાળા, પીપાવાવમાં પ્રવેશશે. સવારે ૮ સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળીયામાં ત્રાટકશે. ત્યાર બાદ ૧૪મીએ સવારે ૩ વાગ્યે નવાબંદર, ૫ વાગ્યે પોરબંદર અને ૧૪મી સાંજે ૬ વાગ્યે દ્વારકા પહોંચશે. ૧૫મીએ વહેલી સવારે ૩ વાગ્યે દ્વારકાની બહાર નીકળી દરીયામાં સમાઈ જશે.

વાયુના પ્રકોપથી લોકોને બચાવવા સેના અને એરફોર્સની ટીમ સજ્જ છે. વિવિધ વિસ્તારમાં રાહત ટુકડીઓએ પડાવ નાખ્યા છે. સરકારે આગોતરા આયોજન કર્યા છે અને ગાંધીનગરમાં મીટીંગોના દોર ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી પોતે મોનીટરીંગ કરી રહ્યા છે. વાવાઝોડા સામે બાથ ભીડવા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

(3:26 pm IST)