Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પોરબંદર મધદરિયે ૧૩૦ કિ.મી. ઝડપે ફૂંકાતો પવનઃ કાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના

પોરબંદર રાણાવાવ અને કુતિયાણા કાંઠા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તાબડતોબ કામગીરીઃ કેન્દ્રની રેસ્કયુ ટીમ ખડેપગે

પોરબંદર, તા. ૧૨ :. પશ્ચિમ દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલ 'વાયુ' વાવાઝોડાના અસરરૂપે પોરબંદર મધદરિયામાં આજે સવારે ૧૨૦ થી ૧૩૦ કિ.મી. ઝડપે પવન ફુંકાવાની શરૂઆત થઈ છે. તેમજ પોરબંદર દરિયાઈ પટ્ટી કાંઠા વિસ્તારમાં છુટોછવાયો વરસાદ આવે તેવી સંભાવના અંગે પોરબંદર ડીઝાસ્ટર મેનેજમેન્ટે જણાવેલ છે.

વાવાઝોડુ ત્રાટકે તેની સંભાવનાને લઈ પોરબંદર રાણાવાવ અને કુતિયાણા દરીયાકાંઠા તથા નિચાણવાળા વિસ્તારોમાંથી નગરપાલિકા દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં કેન્દ્રની રેસ્કયુ ટીમ ગઈકાલ સાંજથી આવી ગયેલ છે અને ખડેપગે રહેલ છે.

નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરીમાં બીએસએફની એક એનડીઆરએફની ૩ ટુકડી જોડાઈ છે. આ ટુકડી બરડા તથા હર્ષદ મીયાણી કાંઠા વિસ્તારમાં કાર્યરત થયેલ છે. વાવાઝોડાની પોરબંદર જિલ્લા કાંઠા વિસ્તારના ૮૧ ગામોમાં અસરની સંભાવનાને લઈ તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. બંદરકાંઠે બે નંબરનું સિગ્નલ આજે બીજા દિવસે યથાવત રાખવામાં આવ્યુ છે. જિલ્લાની શાળા-કોલેજો અને આંગણવાડીમાં તા. ૧૪ સુધી રજા જાહેર કરવામાં આવી છે.(૨-૫)

 

(3:28 pm IST)