Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

એરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

કાર્તિ ઉપરાંત અન્યો સામે પણ ચાર્જશીટ દાખલઃ એરસેલ-મેક્સિસ સોદાબાજીમાં કુલ ૨૬ લાખ મેળવનાર કંપની પર કાર્તિ ચિદમ્બરમનું અંકુશ હતું : ઇડીનો દાવો

નવીદિલ્હી, તા.૧૩: ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલી વધી રહી છે. એરસેલ-મેક્સિસ કેસના સંદર્ભમાં કાર્તિ અને અન્યો સામે ઇડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. ઇડીએ ચાર્જશીટ દાખલ કરીને કાર્તિની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.  આજે દિલ્હી કોર્ટ સમક્ષ કાર્તિ ચિદમ્બરમ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરતી વેળા ઇડીએ કહ્યું હતું કે, એરસેલ-મેક્સિસ સોદાબાજીમાં મળેલા ૨૬ લાખ રૃપિયાના ફંડ મામલામાં કાર્તિ ચિદમ્બરમ કંપની ઉપર નિયંત્રણ ધરાવતા હતા. એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલ્ટીંગ પ્રાઇવેટ લિમિટેડ મની લોન્ડરિંગ કેસમાં સામેલ હોવાની વાત કરવામાં આવી છે. ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસના સંદર્ભમાં આજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાર્તિ ચિદમ્બરમ, એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટે, ચેસ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ, અન્ય કેટલાક સામે પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમે કંપની સ્થાપિત કરવા માટે ફંડની વ્યવસ્થા કરી હતી. અત્રે નોંધનીય છે કે, કાર્તિ ઉપરાંત ઇડી દ્વારા ચિદમ્બરમની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ગઇકાલ મંગળવારના દિવસે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં બીજા રાઉન્ડમાં પુછપરછ કરવામાં આવી હતી. કલાકો સુધી તેમની પુછપરછ ચાલી હતી. આ પહેલા પણ તેમની જુદા જુદા પાસાઓ ઉપર છ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. ચિદમ્બરમ ગઇકાલે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પર ૧૧ વાગ્યાથી થોડાક પહેલા પહોંચી ગયા હતા. તપાસ સંસ્થાએ કહ્યું હતું કે, નાણામંત્રાલયમાં તેમના ગાળા દરમિયાન રહેલી વિગતો અંગે તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા.

(9:34 pm IST)