Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જ્યાં સુધી કચરાનો ઢગલો દૂર ન કરાયો ત્‍યાં સુધી કેરળમાં જજ ખુરશી નાખીને કચરા પાસે જ બેસી રહ્યા

કોચ્ચિઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વચ્‍છતા અભિયાનને સમર્થન આપવા કેરળના કોચ્ચિમાં એક જજ જ્યાં સુધી કચરાનો ઢગલો દૂર ન કરાયો ત્‍યાં સુધી ખુરશી લઇને કચરાની આસપાસ જ બેસી રહ્યા હતાં.

ઉપ ન્યાયાધીશ તથા એર્નાકુલમ જિલ્લા કાનૂની સેવા ઓથોરિટીના સચિવ એ એમ બશીરને જ્યારે શાકભાજી અને ફળ બજારના વેપારીઓએ સૂચના આપી કે ત્યાં એક મહિના કરતા વધુ સમયથી કચરાનો ઢગલો ખડકાયો છે અને કોઈ તેને હટાવી રહ્યું નથી ત્યારે તેમણે આ સીધી કાર્યવાહી કરી.

વેપારીઓની સૂચના મળ્યા બાદ ન્યાયાધીશ ત્યાં પહોંચ્યાં અને બજારમાં લાઈસન્સ વગર ચાલી રહેલી દુકાનોનું નિરીક્ષણ કર્યું. દુકાનોનું નિરીક્ષણ કર્યા બાદ ન્યાયાધીશે એક દુકાનથી ખુરશી મંગાવી અને કચરાના ઢગલા પાસે બેસી ગયાં.

તેમણે કહ્યું કે જ્યાં સુધી અહીંથી કચરાનો ઢગલો નહીં હટાવવામાં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી ઉઠશે નહીં. ન્યાયાધીશના આ પગલાં બાદ પોલીસ અને નગર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ એક્શનમાં આવી ગયાં.

નિગમના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને સફાઈ કરી. નિગમે બુલડોઝર મંગાવીને કચરો હટાવ્યો. કચરો હટાવ્યાં બાદ જ જજસાહેબ પોતાની ખુરશી પરથી હટ્યાં. આ સમગ્ર ઘટના 12 જૂનની હોવાનું કહેવાય છે. આ પગલાંને દરેક જણ બિરદાવી રહ્યાં છે. 

(7:20 pm IST)