Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

નિરવ મોદી - માલ્યાના પ્રત્યર્પણ સામે યુકે ૭૦,૦૦૦ ભારતીયને દેશનિકાલ કરશે?

બ્રિટનના ગૃહમંત્રી સાથે ગૃહરાજ્ય મંત્રી રિજિજૂની મંત્રણા

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાંથી ભાગી છૂટેલા હીરાના વેપારી નીરવ મોદી અને ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણને ઈંગ્લેન્ડ ઘણા લાંબા સમયથી જે કરાર પર સહી સિક્કા કરાયા નથી એની સાથે સાંકળી લેશે. આ કરારને પગલે ઈંગ્લેન્ડમાં ગેરકાયદે રહેનારા ૭૫,૦૦૦ ભારતીયોને દેશનિકાલ કરવામાં આવી શકે એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

કેન્દ્રના ગૃહ ખાતાના રાજયકક્ષાના પ્રધાન કિરણ રિજિજૂ સાથે સોમવારે ઈંગ્લેન્ડના ગૃહપ્રધાન બેરોનેસ વિલિયમ્સે ગેરકાયદે વસાહતીઓ અંગેના 'મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ'(એમઓયુ) પર સહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

લગભગ એક કલાકની ચર્ચા દરમિયાન, વિલિયમ્સે એમઓયુ પર સહીસિક્કા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આ એમઓયુને પગલે બ્રિટનના સત્તાવાળાઓ ગેરકાયદે વસનારા ભારતીય વસાહતીઓને શોધી કાઢે તો તેમને પાછાં મોકલવાનું તેમના માટે સરળ બને.

ભારત તરફથી નીરવ મોદી, માલ્યા અને બીજાં લોકોનો ઉલ્લેખ કરીને તેમના પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

'અમને એવો ભય છે કે નીરવ મોદી, વિજય માલ્યા અને બીજા લોકોના પ્રત્યર્પણની પ્રક્રિયાને તેઓ એમઓયુ પર સહી-સિક્કા સાથે સાંકળી લેશે', એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

રિજિજૂ અને વિલિયમ્સ વચ્ચેની બેઠકમાં ઈંગ્લેન્ડ તરફથી નીરવ મોદીની બ્રિટનમાં હાજરી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ગેરકાયદે વસાહતીઓ અંગેના કાચા કરાર પર રિજિજૂએ ૧૦મી જાન્યુઆરીએ લંડનમાં સહી કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં યુકેની મુલાકાત લે ત્યારે એ અંગેના એમઓયુ પર સહી-સિક્કા થવાની શકયતા હતી. જોકે, નવી દિલ્હી તરફથી જ અંતિમ કરાર પર સહી કરવા અંગે મોડું થયું છે.(૨૧.૬)

(10:03 am IST)