News of Wednesday, 13th June 2018

ચિદમ્બરમની ફરી એકવખત કલાકો સુધી પુછપરછ કરાઇ

એરસેલ-મેક્સિસ કેસને લઇને પુછપરછ થઇ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા બાદ પુછપરછ શરૂ થઇ : એફઆઈપીબીની પ્રક્રિયાને લઇને વેધક પ્રશ્નો

નવી દિલ્હી,તા. ૧૨ :  ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની આજે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં બીજા રાઉન્ડમાં પુછપરછ કરવામાં આવી હતી. કલાકો સુધી તેમની પુછપરછ ચાલી હતી. પહેલા પણ તેમની જુદા જુદા પાસાઓ ઉપર કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. ચિદમ્બરમ આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પર ૧૧ વાગ્યાથી થોડાક પહેલા પહોંચી ગયા હતા. તપાસ સંસ્થાએ કહ્યું હતું કે, નાણામંત્રાલયમાં તેમના ગાળા દરમિયાન રહેલી વિગતો અંગે તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ સકંજો મજબૂત બન્યો હતો. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. તપાસ સંસ્થાએ આજે નવેસરના પ્રશ્નો પણ કર્યા હતા. અગાઉ તપાસ સંસ્થાએ કલાક સુધી ચિદમ્બરમની પુછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના અધિકારીઓના નિવેદન નોંધવાનો પણ નિર્ણય કર્યો છે. ચિદમ્બરમ નવેસરના પ્રશ્નોને લઇને દુવિધાભરી સ્થિતિમાં મુકાયા હતા. ચિદમ્બરમને હાલમાં નિષ્ક્રિય કરવામાં આવેલા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ અને સંજોગોને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તે વખતે એરસેલ-મેક્સિસ સમજૂતિને લીલીઝંડી આપવામાં આવી હતી તે વખતે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની પહેલાથી કેસના સંદર્ભમાં ઇડી દ્વારા બે વખત પુછપરછ કરવામાં આવી ચુકી છે. પાંચમી જૂનના દિવસે ઇડીની ઓફિસમાંથી બહાર નિકળતી વેળા ચિદમ્બરમને કહ્યું હતું કે, તેમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યા છે તે પહેલા સરકારી દસ્તાવેજોમાં નોંધવામાં આવી ચુક્યા છે. કોઇ એફઆઈઆર અથવા તો પોલીસ કેસ તેમની સામે નથી. ચિદમ્બરમ જે પૂર્વ ગૃહમંત્રી તરીકે પણ રહી ચુક્યા છે. ચિદમ્બરમે કેસમાં ઇડી દ્વારા ધરપકડથી બચવા માટે રાહત મેળવવાની માંગ કરીને સ્પેશિયલ જજ ઓપી સૈનીની કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે ત્યારબાદ કેસના સંબંધમાં ૧૦મી જુલાઈ સુધી તેમની ધરપકડ કરવા માટેનો આદેશ તપાસ સંસ્થાને આપ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સૌથી પહેલા ૩૦મી મેના દિવસે તેમની સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો હતો અને તેજ દિવસે ચિદમ્બરમે કોર્ટમાં રજૂઆત કરી દીધી હતી. ૩૦મી મેના દિવસે તેમના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે, ચિદમ્બરમે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા સમન્સની નોંધ લીધી છે. તે વખતે ચિદમ્બરમને ધરપકડ થવાની દહેશત સતાવી રહી હતી. એરસેલ-મેક્સિસ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજુરી સાથે સંબંધિત છે. એરસેલમાં મૂડીરોકાણ માટે ૨૦૦૬માં કંપની એમએસ ગ્લોબલ કોમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસ લિમિટેડને મંજુરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૧૨મી માર્ચના દિવસે તપાસ સંસ્થાઓ સીબીઆઈ અને ઇડીને ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસના સંદર્ભમાં તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં એરસેલ મેક્સિસ કેસનો સમાવેશ થાય છે જેમાં મની લોન્ડરિંગ કેસને લઇને હોબાળો થયો હતો. ઇડી દ્વારા તત્કાલિન નાણા મંત્રી દ્વારા વર્ષ ૨૦૦૬માં મંજુર કરવામાં આવેલી એફઆઈપીબીની સ્થિતિમાં તપાસ કરી રહી છે. ૮૦૦ મિલિયન ડોલર અથવા તો ૩૫૦૦ કરોડ રૂપિયાની એફડીઆઈ મંજુરીની માંગ કરવામાં આવી હતી.

(12:00 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST