Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જ્યારે અમને લાગશે કે નોર્થ કોરિયા પરમાણુ નિરસ્ત્રીકરણ પર કામ કરી રહ્યા છે ત્યારે અમે પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કરીશુંઃ અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ એકબીજાને જાહેરમાં પરમાણુ યુદ્ધ અને સબક શીખવવાની ધમકી આપનાર દુનિયાના બે મોટા નેતાઓએ આજે એકબીજા સાથે હાથ મીલાવ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સિંગાપુરના સેંટોસા દ્વીપમાં  મળ્યાં છે.

બંન્ને નેતાઓ વચ્ચે થઇ રહેલી આ બેઠક ઘણી રીતે ઐતિહાસિક છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ઉત્તર કોરિયાઇ નેતા સાથે હાથ મીલાવ્યાં છે. જ્યારે બીજી તરફ સત્તા સંભાળ્યાના સાત વર્ષ પછી કિમ જોન ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમે આ વાતચીતથી કાંઇ ગુમાવ્યું નથી. હું છેલ્લા 25 કલાકથી સૂતો નથી. મને લાગ્યું કે આ જરૂરી છે એટલે હું આવ્યો છું.

અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ નોર્થ કોરિયા પર પરમાણુ નિરસ્ત્રીકરણ માટે દબાણ બનાવીશું પરંતુ આમા થોડો સમય લાગશે. તેમણે કહ્યું, 'જલ્દી જ નોર્થ કોરિયાના નેતા કિમ આની પર કામ શરૂ કરશે. જ્યારે અમને લાગશે કે નોર્થ કોરિયા પરમાણુ નિરસ્ત્રીકરણ પર કામ કરી રહ્યાં છે અમે તે પછી પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કરીશુ.'

કિમ જોંગ ઉન સાથે મુલાકાત કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયા મિસાઇલ ટેસ્ટિંગ સાઇટને ખતમ કરવા માટે રાજી થઇ ગયા છે. સાથે જ ટ્રમ્પે કહ્યું કે હવે તે સાઉથ કોરિયાની સાથે સંયુક્ત સૈના અભ્યાસ નહીં કરે.

ટ્રમ્પે પરમાણુ નિરસ્ત્રીકરણ પર કિમ જોંગ ઉન સાથે સમજૂતી પર સહી કરવા અંગે પણ સંકેત આપ્યાં છે. તેમણે કહ્યું કે, 'જે દસ્તાવેજો પર સહી કરવામાં આવી છે તેનાથી દુનિયાની ખતરનાક વસ્તુઓથી રાહત મળશે.'

મહત્વની સમજૂતી પર સહી કર્યા પછી હવે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તે ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ ઉનને વ્હાઇટ હાઉસ બોલાવશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે જરૂર બોલાવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વન-ટૂ-વન મિટિંગ ઘણી સારી રહી. ત્યાર બાદ તેમણે બીજી મિટિંગ પણ કરી હતી જે પણ સમાપ્ત થઇ ગઇ છે. બંન્ને નેતાઓ હાલ લંચ લેવા ગયા છે.

(12:00 am IST)