Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

બાબા રામ રહીમને જેલમાંથી રોહતક પીજીઆઈમાં ખસેડાયા

યૌન શોષણ-પત્રકારની હત્યામાં આજીવન કેદ કાપી રહ્યા છે : રામ રહીમનો કોરોના રિપોર્ટ પણ કરાયો , તે પહેલેથી જ સુગર-બીપીનો દર્દી છે અને સતત દવાઓ પણ લઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૩ : યૌન શોષણ અને પત્રકારની હત્યા મામલે સુનારિયાં જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા બાબા રામ રહીમને કોરોનાની આશંકાને પગલે ભારે સુરક્ષા વચ્ચે રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે. રામ રહીમને પીજીઆઈમાં લાવતા પહેલા સુનારિયાં જેલથી લઈને પીજીઆઈ સુધી ઠેર-ઠેર પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું.

હાલ પીજીઆઈના સ્પેશિયલ વોર્ડમાં રામ રહીમની સારવાર ચાલી રહી છે. જેલના અધિકારીઓએ મામલે કશું પણ કહેવાની ના પાડી દીધી છે. જાણવા મળ્યા મુજબ પીજીઆઈમાં રામ રહીમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. તે પહેલેથી સુગર અને બીપીનો દર્દી છે અને સતત દવાઓ પણ લઈ રહ્યો છે.

જો કે હજુ રિપોર્ટ નથી આવ્યો. કારણે રામ રહીમે ગભરામણની ફરિયાદ કરી એટલે પોલીસ પ્રશાસને તેને પીજીઆઈમાં દાખલ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. બુધવારે સાંજ સુધી રામ રહીમના સ્વાસ્થ્યની તપાસ ચાલી હતી અને ડૉક્ટર્સની વિશેષ ટીમને તેની સારવારની જવાબદારી સોંપવામાં આવી છે.

રામ રહીમે મંગળવારે જેલના અધિકારીઓ સમક્ષ અસ્વસ્થ લાગી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેલમાં રૂટિન ટેસ્ટ બાદ તેને પીજીઆઈ લઈ જવા સલાહ આપવામાં આવી હતી. ચિંતાની વાત પણ છે કે, સુનારિયાં જેલમાં ભયંકર કોરોના વિસ્ફોટ થયો છે અને અનેક કેદીઓ પોઝિટિવ નોંધાયા છે. કારણે પ્રશાસને રામ રહીમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

(7:34 pm IST)