Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બેઝપ્રાઇસથી પાંચ ગણો વધારો

છેલ્લા ૧ વર્ષમાં ભાવમાં રૂ.૨૦નો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૧૩: દેશમાં છેલ્લા એક વર્ષમાં ઓઇલની કિંમતોમાં ૨૦ રૂપિયાથી વધારેનો વધારો થયો છે. જયારે આ દરમ્યાન પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઇસમાં ફકત ૩-૪ રૂપિયા પ્રતિ લીટરનો જ વધારો થયો છે. દેશના કેટલાય શહેરોમાં અત્યારે પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિલીટરની ઉપર જતી રહી છે. ઓઇલની કિંમતોમાં વર્તમાન તેજી માટે ગયા વર્ષમાં ટેક્ષમાં કરવામાં આવેલ ઘણાં વધારા જવાબદાર છે.

ગયા વર્ષે ૧મેના રોજ દિલ્હીના પેટ્રોલના ભાવ ૬૯.૫૯ રૂપિયા પ્રતિ લીટર  હતા અને તેની બેજ પ્રાઇસ ૨૭.૯૫ રૂપિયા હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૬૨.૨૯ રૂપિયા હતી અને તેને બેઝપ્રાઇસ ૨૪.૮૫ રૂપિયા હતા. આ વર્ષે ૧મેના આંકડાઓ અનુસાર પેટ્રોલની બેઝ પ્રાઇસ ૩.૫૩ રૂપિયા વધીને ૩૧.૪૮ રૂપિયા થઇ ગઇ છે. પણ રીટેઇલ પ્રાઇસ ૨૦.૮૧ રૂપિયા વધીને ૯૦.૪૦ રૂપિયા થઇ છે. આજ રીતે ડીઝલની બેઝ પ્રાઇસ આ દરમ્યાન ૪.૧૭ રૂપિયા વધી છે પણ રીટેલો પ્રાઇસ ૨૦.૩૨ રૂપિયા વધીને ૮૨.૬૧ રૂપિયા પ્રતિલીટર થઇ છે.

પેટ્રોલ અને ડીઝલના રીટેઇલ ભાવો વધવા પાછળ કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષમાં ટેક્ષમાં કરાયેલ વધારો અને ત્યાર પછી રાજયો દ્વારા વેટમાં કરાયેલ વધારો જવાબદાર છે. કેન્દ્રએ ગયા વર્ષે માર્ચથી મે વચ્ચે પેટ્રોલ પર એકસાઇઝ ડયુટીમાં પ્રતિલીટર ૧૩ રૂપિયા અને ડીઝલમાં ૧૬ રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારે મહામારીના કારણે ઓઇલની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો હતો.

આ વધારાના કારણે પેટ્રોલ પર એકસાઇઝ ડયુટી ૬૫ ટકા વધીને ૧૯.૯૮ રૂપિયાથી ૩૨.૯૮ રૂપિયા થઇ હતી.

(4:21 pm IST)