Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

બીજા ડોઝમાં ૩ માસનું અંતર : સાજા થનારને ૬ માસ પછી રસી

દેશમાં કોરોનાનો કહેર અને વેકસીનની અછત બંને એકસાથે ચાલુ છે : પહેલા વેકસીનના બે ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર પછી વધારીને ૪૨ દિવસ કરાયું : હવે સરકારી પેનલે ભલામણ કરી છે કે ત્રણ માસ બાદ બીજો ડોઝ અપાય :એનટીએજીઆઇની ભલામણ... કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ સપ્તાહનો ગેપ રાખો : પોઝિટિવ થઇ સાજા થનારને ૬ માસ પછી પ્રથમ ડોઝ આપો : ગર્ભવતી મહિલાને કોઇ પણ કોરોના વેકસીન લેવાનો વિકલ્પ આપો

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં કોરોનાનો કહેર અને વેકસીનની અછત બંને એક સાથે ચાલી રહી છે. જો કે સરકારનો દાવો છે કે ટુંક સમયમાં આ સંકટમાંથી પાર થશે પરંતુ સરકારી પેનલે જે વેકસીનની ડોઝ અંગે વાત કહી છે તેની વાર્તા કાંઇક અલગ જ છે. પહેલા વેકસીનની બે ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. હવે તેને વધારી ૪૨ દિવસ કરી દેવાય.

કોરોના રસીકરણ અભિયાન સાથે જોડાયેલા નિયમોમાં ફરેફાર કરાશે. વેકસીનનો પૂરતા પ્રમાણમાં ડોઝ ન હોવાની રીપોર્ટસ વચ્ચે સરકારી પેનલે અનેક બદલાવોની ભલામણ કરી છે. રસીકરણ પર બનેલી સરકારી પેનલ (એનટીએજીઆઇ)એ કોવિશીલ્ડ વેકસીનના ડોઝના અંતરને વધારવાથી માંડીને કોરોના દર્દીને મોડી રસી મૂકવા જેવી ભલામણો કરી છે. જો સરકાર આ ભલામણોને માની લેશે તો લોકોને વેકસીન માટે વધુ રાહ જોવી પડશે.

સરકારી પેનલની ભલામણ છે કે જેને લેબ ટેસ્ટ (RT-PCR -RAT)માં કોરોના થવાની પૃષ્ટિ થઇ ચુકી છે. તેને રિકવરીના છ મહીના સુધી વેકસીન આપવામાં આવે નહી. હાલમાં વિશેષજ્ઞો રિકવરીના મહીનાભર બાદ વેકસીન લગાવાની સલાહ આપે છે.

સીડીસીના જણાવ્યા મુજબ પોઝિટિવ ટેસ્ટ થવાના ઓછામાં ઓછા ૯૦ દિવસ બાદ વેકસીન આપવી જોઇએ. WHOએ કોરોના દર્દીમાં ૬ મહિના સુધી નેચરલ ઇમ્યુનિટી રહેવાની વાત કહી છે. WHOના જણાવ્યા મુજબ જો પ્રથમ ડોઝ બાદ પોઝિટિવ ટેસ્ટ થાય છે તો બીજો ડોઝ તેના ૮ સપ્તાહ બાદ આપવો જોઇએ.

સરકારી પેનલની ભલામણ છે કે કોવીશીલ્ડનો બીજો ડોઝ ૧૨-૧૬ સપ્તાહ બાદ લગાવામાં આવે. એટલે કે જો તમને પ્રથમ ડોઝ માર્ચમાં આપ્યો હોય તો બીજો ડોઝ જુલાઇ - ઓગસ્ટમાં મુકવામાં આવે.

માર્ચમાં કેન્દ્ર સરકાર કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૪-૮ સપ્તાહનો સમય રાખવાનું કહ્યું હતું. એ પહેલા આ સમયમર્યાદા ૪-૬ સપ્તાહ હતી.

ધ લેસેન્ટમાં છાપેલા લેખ મુજબ ૧૨ સપ્તાહના સમયગાળા પર કોવિશીલ્ડનો ડોઝ આપવા પર તેની અસર વધી જાય છે. યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં વેકસીનનો બીજો ડોઝ ચાર મહિના બાદ જ જઇ રહ્યો છે.

ભારતમાં એસ્ટ્રાજેનેકાની વેકસીન બનાવી રહેલા સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલાએ કહ્યું હતું કે જો બે ડોઝ વચ્ચે બે-ત્રણ મહીનાનું અંતર હોય તો વેકસીન ૯૦ ટકા અસરદાર હોય છે તેમજ કોવેકસીનના ડોઝ ઇન્ટરવલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પેનલે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓને કોઇપણ વેકસીન લેવાની છુટ આપવી જોઇએ તે પણ કહેવામાં આવ્યું છે કે સ્તનપાન કરાતી મહિલાઓને ડિલીવરી બાદ કોઇ પણ સમયે રસી લગાવી જોઇએ.

એનટીએજીઆઇની આ ભલામણો હવે કોરોનાની રસી માટે બનેલા નેશનલ એકસપર્ટ ગ્રુપને મોકલવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અંતિમ નિર્ણય લેશે.

એનટીએજીઆઇનું માનવું છે કે કોરોનાથી ઉભરી ચૂકેલા લોકોને તાત્કાલિક રસી લેવાની જરૂરીયાત નથી. વિશેષજ્ઞ પેનલ મજુબ એવા લોકોના શરીરમાં કોરોના વિરૂધ્ધ એન્ટીબોડીઝ હાજર હોય છે જે તેને સુરક્ષા આપે છે. ઇમ્યુનિટી પીરીયડ દરમિયાન તેને વેકસીન આપવી એ ન આપ્યા બરાબર થશે.

દેશ અગાઉથી જ રસીની અછતથી ઝઝુમી રહ્યો છે. ખાસ કરીને ૯ વર્ષથી ઉપરના લોકો માટે વેકસીનનો રસ્તો ખોલ્યા બાદ પર્યાપ્ત ડોઝ ઉપલબ્ધ થઇ રહી નથી. એવામાં કોરોનાથી રિકવર થઇ ચુકેલા દર્દીઓને ખતરો ઓછો ગણાવીને પેનલે રસીકરણ ટાળવાની ભલામણ કરી.

(3:16 pm IST)