Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અનેક રાજ્યોમાં વેકસીનની અછતઃ કામગીરી ઠપ્પ

દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોને રસીકરણ થંભાવી દેવાની ફરજ પડીઃ અછત મામલે કેન્દ્ર-રાજ્ય સરકારો આમનેસામને : દિલ્હીમાં ૧૦૦ જેટલા સેન્ટરો બંધ કરાયાઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૮ પ્લસવાળાઓ માટે રસીકરણ અટકાવી દેવાયું: આવુ ચાલ્યુ તો ભારત જંગ કઈ રીતે જીતી શકશે

નવી દિલ્હી, તા. ૧૩ :. કોરોનાની વધતી સમસ્ય વચ્ચે દેશમાં હાલ વેકસીનની ભારે અછત ઉભી થઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત અનેક રાજ્યો વેકસીનેશનને રોકવા મજબૂર બન્યા છે તો રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે આ બાબતે તકરાર ચાલુ છે. આ મહાસંકટ વચ્ચે સૌથી વધુ પરેશાની સામાન્ય લોકોની છે. જેઓ કલાકો સુધી પહેલા કોવિન એપ પર પોતાના સ્લોટની રાહ જુએ છે જ્યારે નંબર આવવા પર પણ રસી લગાવી શકતા નથી.

વેકસીનેશનને લઈને દેશમાં શું પરિસ્થિતિ છે ? તેનો અંદાજ પાટનગર દિલ્હીથી મળે છે. દિલ્હીમાં વેકસીનની સપ્લાય ન હોવાથી અનેક કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે લગભગ ૧૦૦ જેટલા કેન્દ્રો પર હવે રસીકરણ નહિ થાય. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે આરોપ લગાવ્યો હતો કે કોવેકસીન એ કેન્દ્રના દબાણને કારણે વેકસીન આપવાનો ઈન્કાર કર્યો છે. એવામાં દિલ્હીવાસીઓને આજે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

રાજસ્થાનમાં આજે પહેલીવાર લોકોને રસી નહી લગાવાય કારણ કે રાજ્ય સરકાર પાસે વેકસીનનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ સ્થિતિ બરાબર નથી. મહારાષ્ટ્ર અને કર્ણાટકે ૧૮ પ્લસવાળાઓ માટે રસીકરણ રોકી દીધુ છે કારણ કે રાજ્ય પાસે રસીની અછત છે. મહારાષ્ટ્રનું કહેવુ છે કે કોવેકસીનની સપ્લાય ન હોવાથી ૧૮ પ્લસવાળાઓનુ ટીકાકરણ અટકાવી દેવાયુ છે કે જેથી ૪૫ વર્ષથી ઉપરનાને બીજા ડોઝમાં રાહત મળી શકે છે. કર્ણાટકે પણ આવો જ તર્ક આપ્યો છે.

યુપી, ઓડીસા બાદ હવે અન્ય અનેક રાજ્યોએ પણ અછતની વાત જણાવી છે અને આ માટે દુનિયા તરફ હાથ લંબાવ્યો છે. આ સિવાય દુનિયાના અનેક દેશો તરફ રસીકરણ માટે વિવિધ રાજ્યોએ ડાયરેકટ સંપર્ક સાધ્યો છે.

અત્રે નોંધનીય છે કે હજુ રોજ કોરોના કેસની સંખ્યા ૩ લાખને પાર પહોંચી જાય છે, તો દેશમાં એકટીવ કેસની સંખ્યા પણ ૩૭ લાખ ઉપર પહોંચી ગઈ છે. એવામા જ્યારે દરેક નિષ્ણાંત રસીકરણને જ સૌથી સલામત ગણાવી રહેલ છે. એવામાં દેશમાં રસીકરણની સ્પીડ ઘટી ગઈ છે. દેશમાં પણ હજુ સરેરાશ ૨૦ લાખ રસીનુ ઉત્પાદન થઈ શકે છે.

વિદેશી બજારમાં પણ વધુ રસી મોજુદ નથીઃ તત્કાલ વેકસીન મળવાની સંભાવના ઓછી

નવી દિલ્હીઃ કોરોનાની રસીનું સંકટ દૂર કરવા માટે દિલ્હી, યુપી સહિત ૧૦ રાજ્યોએ વિદેશોથી રસી ખરીદવાનો નિર્ણય લીધો છે, પરંતુ નિષ્ણાંતોનું કહેવુ છે કે રસીની જે સ્થિતિ દેશમાં છે તેવી જ સ્થિતિ દુનિયાની બજારમાં છે તેથી વિદેશોથી તત્કાલ રસી મળવાની સંભાવના ઓછી છે. ૧લી મેથી ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે રસીની સગવડ રાજ્યોએ ખુદ કરવાની છે. સીરમ અને ભારત બાયોટેક પાસે કેન્દ્રનો અગાઉથી ૧૬ કરોડ ડોઝનો ઓર્ડર છે. તેઓ કુલ ઉત્પાદનના અડધા રાજ્યો અને ખાનગી હોસ્પીટલોને આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિકબજારમાં પણ રસીની ઉપલબ્ધતા સીમીત છે તેથી જ વહેલી નહિ મળે.  જો ૧૮થી ઉપરના માટે રસીકરણ માટે સ્પીડ લવાઈ તો રોજ  ઓછામાં  ઓછા ૫૦ લાખ ડોઝ જોઈએ.  આ લક્ષ્ય પર સરકાર ચાલે તો મહિને ૧૫ કરોડ ડોઝ જોઈએ.

(3:17 pm IST)