Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પુત્રને કોરોના થતાં હતાશામાં પિતાએ આપઘાત કરી લીધો

સપ્તાહ પહેલાં દોઢ વર્ષનો પુત્ર કોરોના સંક્રમિત થયો હતો :આઈઆઈટી કાનપુરના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનો મૃતદેહ તેમના ઘરના રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો

કાનપુર, તા. ૧૨ : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(આઈઆઈટી) કાનપુરના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે તેમનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આપઘાતની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

મળતી માહિતી મુજબ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડિપ્રેશનનો શિકાર હતા. તેમનો નાનો દોઢ વર્ષનો પુત્ર કોરોના પોઝિટિવ હતો, જેના કારણે તેઓ ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતા. આઈઆઈટી કાનપુરમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પદ પર તૈનાત સુરજીત કુમાર (૪૦) મૂળ આસામના રહેવાસી હતા અને આઇઆઇટી કેમ્પસના મકાન નંબર ૩૪૦માં પરિવાર સાથે રહેતા હતા. સુરજીત કુમારના પરિવારમાં પત્ની બુલબુલ દાસ, તેમજ ૮ અને દોઢ વર્ષના બે દીકરા છે. મોડી રાત્રે જમ્યા બાદ સુરજીત કુમાર રૂમમાં સૂવા ગયો હતા અને મંગળવારે સવારે તેમનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના જણાવ્યા મુજબ એક સપ્તાહ પહેલા દોઢ વર્ષનો પુત્ર કોરોના સંક્રમિત થતાં સુરજીત ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

કલ્યાણપુર ઇન્સ્પેક્ટર વીરસિંહના જણાવ્યા અનુસાર સુરજિતકુમાર ડિપ્રેશનના દર્દી હતા અને વર્ષ ૨૦૧૧થી તેમની સારવાર ચાલી રહી હતી. દિલ્હીના ડોક્ટર નાગપાલ ઉપરાંત કાનપુરના ડોક્ટર પાસે તેઓ સારવાર લઈ રહ્યા હતા. મૃતક આસામના કુરિલ ગામના રહેવાસી હતા. આ સાથે સુરજીત કુમારનો નાનો પુત્ર કોરોના પોઝિટિવ હતો. નાના પુત્રને ચેપ લાગ્યો હોવાથી સુરજીત વધુ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:00 am IST)