Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પીએમ કેર્સ ફંડમાંથી 3100 કરોડ કોરોનામાં ફાળવાયા

2000 કરોડ વેન્ટિલેટર માટે, 1000 કરોડ પરપ્રાંતીયની સારસંભાળ માટે અને 100 કરોડ કોરોનાની રસીના સંશોધન માટે ફાળવાયા: 50000 જેટલા મેડ ઈન ઇન્ડિયા વેન્ટિલેટર રાજ્યોની સરકારી હોસ્પિટલોને અપાશે

નવી દિલ્હી : કોરોના સામેની લડાઈમાં પીએમ કેર્સ ફંડમાંથી 3100 કરોડ રૂપિયા વેન્ટિલેટર, પરપ્રાંતીય કામદારોની અવરજવર માટે અને કોરોનાની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે.

આ 3100 કરોડ રૂપિયામાંથી આશરે 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે, 1000 કરોડ રૂપિયા પરપ્રાંતીય કામદારોની સારસંભાળ માટે અને 100 કરોડ રૂપિયા કોરોનાની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે.

27 માર્ચે બનાવવામાં આવેલા આ ટ્રસ્ટ પીએમ મોદી, સંરક્ષણમંત્રી, ગૃહમંત્રી, નાણાંમંત્રીના વડપણ હેઠળ ચાલે છે. આ પેકેજ જાહેર કરતા પહેલા પીએમ મોદીએ તમામ દાન આપનાર લોકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે આ કોરોના સામેની ભારતની લડાઈમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

 

3100 કરોડ રૂપિયામાંથી આશરે 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે વપરાશે જેમાંથી 50000 જેટલા મેડ ઈન ઇન્ડિયા વેન્ટિલેટર રાજ્યોની સરકારી હોસ્પિટલોને અપાશે. 1000 કરોડ રૂપિયા પરપ્રાંતીય કામદારોની સારસંભાળ માટે રાજ્યોની સરકારને ફાળવવામાં આવશે. આ રકમને જિલ્લાઓના કે શહેરોના તંત્રને આપવામાં આવશે જેમાંથી કામદારોના રહેવાની, ખાવા પીવાની, પરિવહનની અને આરોગ્યની જરૂરિયાતની સગવડ આપવામાં આવશે.

આ માટે રાજ્યોની વસ્તી, તેમના કુલ પોઝિટિવ કેસ, અને લઘુત્તમ મળવાપાત્ર રકમ આ ફેકટર્સને ધ્યાનમાં રાખીને વર્ગીકૃત કરશે.

આ ઉપરાંત દેશના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝરની સૂચના હેઠળ ખાનગી અને જાહેર રિસર્ચ સંસ્થાનો કોવિડ 19ની રસી ઝડપથી શોધી શકે તે માટે 100 કરોડ રૂપિયા વપરાશે.

(10:36 pm IST)