Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઇદના પ્રસંગ ઉપર સાઉદી અરબમાં કર્ફ્યુની જાહેરાત

કોરોનાને ફેલાવાને રોકવા માટેની જાહેરાત : રમઝાનના અંતમાં ઇદ ઉદ ફિતરની સાથે ૨૩ મેથી ૨૭ મે સુધી દેશભરમાં ૨૪ કલાકનો કર્ફ્યૂ લગાવવામાં આવશે

કુવૈત, તા. ૧૧  : કોરોના વાયરસના કારણે સાઉદી અરબમાં ઇદ ના સમયે પણ કર્ફ્યૂ લાગેલું રહેશે. સાઉદી અરબમાં ઇદના પાંચ દિવસની રજા હોય છે. આ પાંચ દિવસની રજામાં પૂરા દેશમાં ૨૪ કલાક માટે કફ્યૂ લગાવવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સાઉદી અરબમાં અંતરિક મંત્રાલયે આ કફ્યૂની જાહેરાત કરી છે. સાઉદી સરકારે જાહેરાત કરી છે કે રમઝાન મહિના અંતમાં ઇદ ઉદ ફિતરની સાથે ૨૩ મેથી ૨૭ મે સુધી સમગ્ર દેશમાં ૨૪ કલાકનો કર્ફ્યૂ લગાવવામાં આવશે. ૫ દિવસ સુધી ચાલતા આ કર્ફ્યૂમાં કોઇ પ્રકારની ઢીલ નહીં અપાય અને આ એક પૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ પહેલા પણ સાઉદી અરબ સરકાર કોરોના વાયરસના કારણે દેશના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક કર્ફ્યૂ લગાવી ચૂકી છે. પણ રમઝાનના કારણે કેટલીક જગ્યાએ કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી છે. જો કે ઇદના સમયે લોકો પરિવારના અન્ય સભ્યોને મળી ઇદની મુબારક આપે છે.

               જેના કારણે કોરોના વાયરસ ફેલાઇ શકે છે જે જોતા આ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમોના પવિત્ર ધામ મક્કામાં પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. અહીં કર્ફ્યૂમાં બિલકુલ ઢીલ નથી આપવામાં આવી. મક્કામાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં ૯ હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. સાઉદી અરબમાં મક્કા સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત શહેર બની ગયું છે. હાલ સાઉદી અરબમાં કમર્શિયલ અને બિઝનેસ પ્રતિષ્ઠાન ખુલ્લા છે. તે પોતાના સમય મુજબ સાલુ રહેશે. સવારે ૯ વાગ્યાથી સાંજ ૬ વાગ્યાની વચ્ચે લોકોએ પોતાના જરૂરી કામથી ઘરની બહાર નીકળી શકે છે. ઇદ પહેલા જૂના આદેશ મુજબ રોજની અવર જવર ચાલુ રાખી શકે છે. પણ આ છૂટ મક્કામાં નથી આપવામાં આવી. માર્ચ મહિનામાં સાઉદી સરકારે કોરોના મહામારીના કારણે તીર્થયાત્રા પર રોક લગાવી હતી. સાથે જ સાઉદી અરબના બીજા દેશોથી વિમાન ઉડાન પર પણ રોક લગાવી હતી.

(7:48 pm IST)