Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હોટેલમાં રહેવા દો અથવા મારો ટેસ્ટ કરો : પોઝિટિવ દર્દીની વ્યથા

ત્રણ વર્ષની દિકરીને ચેપ લાગવાનો દર્દીને ડર : હું વૃદ્ધ સસરા, દીકરી અને પત્નીની સાથે નાનકડા ઘરમાં રહું છું : કોરોના ટેસ્ટ કરવા માટે અધિકારીઓને વિનંતી

અમદાવાદ, તા. ૧૩ : રાષ્ટ્રીયકૃત બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતાં શહેરના રહેવાસી હાર્દિક શાહ માટે આ દિવસો ઉશ્કેરાટભર્યા હોઈ શકે છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક હોટેલના સત્તાધીશોએ તેમને કહ્યું કે, પોઝિટીવ ટેસ્ટના ૨૫ દિવસ સુધીની સારવાર અને આઈસોલેશન બાદ તેઓ પોતાના ઘરે જઈ શકે છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ ઘરે જવા માટે ઉતાવળા થઈ રહ્યા હોય છે. તેના બદલે શાહે સત્તાધીશોને તેમને હોટેલમાં જ રહેવા દેવાની વિનંતી કરી હતી. શાહનો છેલ્લો ટેસ્ટ હજુ સુધી કરાયો નથી અને તેમને ડર છે કે જો તેઓ ઘરે ગયા તો તેમની ૩ વર્ષની દીકરી અથવા ૭૦ વર્ષના તેમના સસરાને પણ ચેપ લાગી જશે. કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની ગાઈડલાઈન બદલવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારે અમદાવાદના ૩૯૨ દર્દીઓ સહિત રાજ્યમાંથી કુલ ૪૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દર્દીઓનો છેલ્લો રિપોર્ટ કરવો હવે જરૂરી નથી.

            તેમણે માત્ર સાત દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે.મને ૭ એપ્રિલે તાવ આવ્યો હતો. જે અઠવાડિયા સુધી રહ્યો. બાદમાં મેં રિપોર્ટ કરાવ્યો તો જાણ થઈ કે મને ચેપ લાગ્યો છે તેમ શાહે કહ્યું. મને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૧૯, ૨૬ અને ૨૯ એપ્રિલે મારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મારામાં કોઈ લક્ષણો ન દેખાતા હોવાથી મને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ થવાની સલાહ અપાઈ હતી. પરંતુ કોરોનાનો દર્દી હોવાથી મેં હોટેલમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું હતું.૫ અને ૭ મેના રોજ કરવામાં આવેલો શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ અઠવાડિયે મારે ફરીથી ટેસ્ટિંગ કરાવવાનું હતું. પરંતુ મને કહેવામાં આવ્યું કે નવી ગાઈડલાઈન પ્રમાણે જો ૧૦ દિવસ  સુધી મારામાં લક્ષણો ન દેખાયા તો હું ઘરે જઈ શકું છું. તેમ તેમણે કહ્યું.મેં અધિકારીઓને કહ્યું હું મારા વૃદ્ધ સસરા, દીકરી અને પત્ની સાથે નાનકડા ઘરમાં રહું છું. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી. આ સિવાય મારા ઘરમાં અલગ ટોઈલેટ પણ નથી. શાહે કહ્યું કે તેઓ કોરોનાનો વાહક બનવા માગતા નથી. કોરોનાના લઈને લોકોમાં ભય છે, તેવામાં હું પોઝિટીવ છું કે કેમ તેની ખાતરી કર્યા વગર સોસાયટીમાં જઈશ તો શું થશે તેની મને નથી ખબર. મેં અધિકારીઓને હોટેલમાં રહેવા દો અથવા મારો ટેસ્ટ કરવા માટેની વિનંતી છે.

(7:46 pm IST)