Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના : ૧૫મી બાદ હવાઈ સેવા શરૂ થવાની સંભાવના

૨૫માર્ચથી કોમર્શિયલ ફ્લાઇટ્સ બંધ કરાવાઈ છે : એરપોર્ટ પર યાત્રીઓનું તાપમાન ચેક થશે : ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને હેડ કવર જેવી પ્રોટેક્ટિવ કિટ પહેરવી પડશે

નવી દિલ્હી, તા. ૧૩  : ભારત સરકાર મેના બીજા પખવાડિયામાં અથવા જૂનની શરૂઆતમાં એરલાઇન્સને મર્યાદિત ધોરણે ઉડ્ડયન શરૂ કરવાની પરવાનગી આપશે તેમ ટોચના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. દેશભરમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેન શરૂ કરવાના એક દિવસ બાદ સરકાર કદાચ મુખ્ય શહેરો વચ્ચે મર્યાદિત સંખ્યામાં ઉડ્ડયનની મંજૂરી આપી શકે. પોતાની ઓળખ જાહેર નહીં કરવા માંગતાં એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કામગીરીને પુનઃ શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યા છીએ. તેવું કદાચ ચાલુ મહિના દરમિયાન જ શક્ય બની શકે, અને જૂનના પ્રથમ સપ્તાહથી આગળ નહીં ખેંચવાનું આયોજન છે. દેશમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તે પછી ભારતે ૨૫માર્ચથી દેશની તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ બંધ કરાવી દીધી છે.

             ફ્લાઇટ ઓપરેશન અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી અને ઘણી એરલાઇન્સને હજુ માહિતગાર કરવામાં આવી નથી, પરંતુ પેસેન્જર્સ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ લગભગ નક્કી કરવામાં આવી છે. પેસેન્જર્સને મિડલ સીટ પર બૂકિંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને સિનિયર સિટિઝન્સને પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવશે.  કેબિન બેગ પર પ્રતિબંધ રહેશે. એરપોર્ટ પર પ્રવાસીઓનું તાપમાન માપવામાં આવશે અને તેમણે ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને હેડ કવર જેવી પ્રોટેક્ટિવ કીટ પહેરવી પડશે.  એક અગ્રણી અંગ્રેજી અખબારે ૨૯ એપ્રિલના રોજ અહેવાલ આપ્યો હતો કે સરકાર પેસેન્જર્સને ટિકિટ બૂક કરવા માટે તથા એરલાઇન્સને બિઝનેસ પુનઃ શરૂ કરવા માટે ૧૦ દિવસનો બફર ટાઇમ આપશે.

            ઇટી દ્વારા જ્યારે એરલાઇન અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે બિઝનેસને પુનઃ શરૂ કરવા માટે હજુ સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી, જો કે એર ઇન્ડિયાએ તેના કેટલાક ક્રૂ મેમ્બર્સને ૧૫મે પછી સંભવિત ફ્લાઇટ શેડ્યુલ અંગે માહિતી આપી હતી.  એક એરલાઇનના એક્ઝિક્યુટિવે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરત સાથે જણાવ્યું હતું કે, કામગીરીને શરૂ કરવા માટે કોઈ તારીખ આપવામાં આવી નથી. જોકે, અમને તૈયારી કરવા માટે ઓછામાં ઓછાં બે સપ્તાહની જરૂરિયાત રહે છે. અન્ય એક એરલાઇનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કામ સરળ નહીં હોય કારણ કે અમને ટિકિટ્સ બૂક કરવાથી દૂર રાખવામાં આવ્યા છે. તેણે ઉમેર્યું હતું કે, અમને મે મહિના દરમિયાન બૂકિંગ ઓપન કરવાની મંજૂરી નથી અને પ્રવાસીઓ વગર મર્યાદિત ઉડ્ડયનો શરૂ કરવા એરલાઇન્સ માટે સરળ નહીં હોય. હાલ દેશમાં તમામ ઉદ્યોગો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.

(7:44 pm IST)