Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આત્મનિર્ભર ભારત : MSME ક્ષેત્રને ૩ લાખ કરોડની ફ્રી ગેરંટી લોન

સૂક્ષ્મ એન્ટરપ્રાઈઝની રોકાણની મર્યાદા ૨૫ લાખથી વધારીને ૧ કરોડ : સૂક્ષ્મ, નાના અને મધ્યમ, કુટીર તેમજ ગૃહ ઉદ્યોગો માટે ૬ મોટા પગલાંની જાહેરાત કરાઈ : વીજળી ઉત્પાદન કરનારા માટે ૯૦,૦૦૦ કરોડની જોગવાઈ

નવીદિલ્હી, તા. ૧૩  : પીએમ મોદીએ ગઈકાલે જેની જાહેરાત કરી હતી તેવા ૨૦ લાખ કરોડના પેકેજને લગતી અનેક જાહેરાતો આજે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કરી હતી. આજે કરાયેલી જાહેરાતોમાં રિયલ એસ્ટેટ, એમએસએમઈ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઈન્કમ ટેક્સ ભરવાની તારીખ ૩૧ જુલાઈથી લંબાવીને ૩૦ નવેમ્બર કરાઈ હોવાની પણ તેમણે જાહેરાત કરી હતી. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યમ, સુક્ષ્મ, ગૃહ ઉદ્યોગોને ત્રણ લાખ કરોડ રુપિયાની લોન કોઈપણ ગેરંટી વિના અપાશે. ચાર વર્ષ માટે આ લોન અપાશે, જેમાં પહેલા એક વર્ષ સુધી માત્ર વ્યાજ જ આપવાનું રહેશે. હાલ તકલીફોનો સામનો કરી રહેલા એમએસએમઈને ૨૦,૦૦૦ કરોડ રુપિયાની સહાય કરાશે. જેનો ફાયદો ૨ લાખ એમએસએમઈને મળશે. એનપીએ જાહેર કરાયેલા એમએસએમઈને પણ તેનો ફાયદો મળશે. આ ઉપરાંત, એમએસએમઈ ફંડની સ્થાપના કરવામાં આવશે અને તેમાં ઈક્વિટી દ્વારા ૫૦,૦૦૦ કરોડ રુપિયા ઉભા કરવામાં આવશે.

               જે એમએસએમઈ ટકાઉ બિઝનેસ ધરાવે છે, તેમને તેનો ફાયદો મળશે. તેનાથી તેઓ પોતાનો ધંધો વધારી શકશે. સરકારે એમએસએમઈની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યા છે. આ કેટેગરીમાં વધુ ઔદ્યોગિક એકમોને આવરી શકાય તે માટે વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રોકાણની મર્યાદા વધારો કરાયો છે. તેમાં ટર્નઓવરના કદ સહિતના વધારાના માપદંડ ઉમેરવામાં આવ્યા છે. અગાઉ સ્જીસ્ઈ કેટેગરીમાં આવતા સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ એમએસએમઈના માપદંડ અલગ હતા, જે હવે સમાન કરી દેવાયા છે. માઈક્રો (સૂક્ષ્મ) એન્ટરપ્રાઈઝની રોકાણની મર્યાદા ૨૫ લાખથી વધારી ૧ કરોડ કરાઈ. ટર્નઓવરની મર્યાદા ૫ કરોડ કરાઈ. ૧૦ કરોડ સુધીનું રોકાણ અને ૫૦ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા યુનિટ સ્મોલ યુનિટમાં આવશે. ૨૦ કરોડ સુધીનું રોકાણ અને ૧૦૦ કરોડ સુધી ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગો મીડિયમ યુનિટની કેટેગરીમાં આવશે. આ ઉપરાંત, સરકારી કામકાજના ૨૦૦ કરોડ સુધીના ટેન્ડર ગ્લોબલ ટેન્ડર નહીં રહે. આ નિર્ણયથી એમએસએમઈ યુનિટ્સને સૌથી વધુ લાભ મળશે. આ ઉપરાંત એમએસએમઈ યુનિટ્સને સરકાર કે સરકારી કંપનીઓ પાસેથી લેવાના નીકળતા પેમેન્ટને દોઢ મહિનામાં ચૂકવી દેવામાં આવશે. લોકડાઉન વખતે સરકારે ૧૦૦થી ઓછા કર્મચારી ધરાવતા યુનિટ્સમાં જેમનો પગાર ૧૫,૦૦૦થી ઓછો પગાર હોય તેવા કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપવાને બદલે પોતે તેની ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી. જેનું અમલીકરણ હવે ઓગસ્ટ મહિના સુધી લંબાવાયું છે.

              એનબીએફસી, હાઉસિંગ ફાઈનાન્સ કંપની, માઈક્રો ફાઈનાન્સ યુનિટ્સને રોકડની તંગી ના નડે તે માટે ૩૦,૦૦૦ કરોડ રુપિયાની ખાસ જોગવાઈ કરાઈ. તેનાથી આ નાણાંકીય સંસ્થાને રોકડ મળશે તેમજ તેની સરાકારત્મક અસર એમએસએમઈ તેમજ હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આ રકમની ગેરંટી ભારત સરકાર આપશે. નોન બેન્કિંગ ફાઈનાન્સ માટે વધુ ૪૫,૦૦૦ કરોડ રુપિયાની આંશિક ઋણ ગેરંટી યોજનાની જાહેરાત. ભારત સરકાર તેની ગેરંટર હશે અને ૨૦ ટકા જેટલું નુક્સાન તે ભોગવશે. તેમાં AA પેપર કે તેનાથી પણ નીચી કેટેગરીની સંસ્થાઓને પણ પૈસા મળી શકશે. વીજ વિતરણ કંપનીઓને અનેક રાજ્યો પાસેથી મોટી રકમ લેવાની નીકળે છે. તેમની આવકમાં મોટી કમી આવી છે. તેનાથી તેમની પાસે કેશની તંગી સર્જાઈ છે. વીજળી ઉત્પાદન કરનારા તેમજ ગ્રાહકોને તેની અસર ના પડે તે માટે ૯૦,૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ.

            આ રુપિયા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન દ્વારા અપાશે. ૨૦૦ કરોડના ટેન્ડર ગ્લોબલ ના કરવા ઉપરાંત, હાલ રેલવે, રોડ તેમજ અલગ-અલગ સરકારી વિભાગોના કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને છ મહિના સુધીનું એક્સ્ટેન્શન આપવામાં આવશે. પીપીઈ કોન્ટ્રાક્ટમાં કન્સેશન પિરિયડના કેસમાં પણ છ મહિના સુધીની રાહત અપાઈ છે. જે સિક્યોરિટી ડિપોઝિટ કોન્ટ્રાક્ટરો પાસેથી લેવાઈ છે તેને કામ કેટલું પૂરું થયું છે તેના આધારે પરત અપાઈ શકે છે. જેથી કોન્ટ્રાક્ટરો પાસે રુપિયા આવે અને તેઓ કામને આગળ વધારી શકે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ મોટી સેક્ટર જાહેરાત કરી છે. નાણાંમંત્રી જણાવ્યું હતું કે, રેરા હેઠળ રજિસ્ટર થયેલા જે પણ પ્રોજેક્ટને ૨૫ માર્ચ ૨૦૨૦ કે તેના પછી પૂરા કરવાના હતા તેમને છ મહિનાની રાહત અપાશે. તેના માટે અલગથી કોઈ અરજી નહીં કરવાની રહે.

(7:36 pm IST)