Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મહારાષ્ટ્રઃ હવે ટામેટામાં ઘૂસ્યો વાયરસ! ટામેટા ખાનારાઓમાં ફફડાટ

૫,૦૦૦ એકરમાં તૈયાર થયેલા પાકનો નાશ કરવો પડયો છે, અહેમદનગર, પુના અને નાસિક જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં આશરે ૬૦ ટકા પાકનો નાશ કરાયો છે

મુંબઇ, તા.૧૩:કોરોનાવાયરસ કાળમાં વધુ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે, હવે એક અજાણ્યો વાયરસ ટામેટાંમાં પણ પ્રવેશી ગયો છે. ભારત દેશ પોતાની પૂરી તાકાતથી કોરોનાવાયરસ સાથે લડી રહ્યો છે. કેન્દ્ર અને રાજય સરકારો આ રોગચાળાને હરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમાં સફળતા મળી રહી નથી.

આવી કપરી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે તેમણે આશરે ૫,૦૦૦ એકરમાં તૈયાર થયેલા પાકનો નાશ કરવો પડ્યો છે.

મહારાષ્ટ્રના મોટા ભાગોમાં કોઈ અજાણ્યા વાયરસે ટમેટાંના પાક પર હુમલો કર્યો છે. અહેમદનગર, પુના અને નાસિક જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં આશરે ૬૦ ટકા પાકનો નાશ કરાયો છે.

અહેવાલો અનુસાર, કૃષિ યુનિવર્સિટી અને રાજય સરકારના અધિકારીઓ આ વાયરસ ટામેટાંમાં કેવી રીતે ફાટી નીકળ્યો તેનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ વાયરસ અજાણ્યો છે અને તેના વિશે હજી પાક્કાપાયે કોઇ માહિતી હાથ લાગી નથી. પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના ખેડુતો આ વાયરસને 'ત્રિરંગો વાયરસ'કહી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડુતોનો દાવો છે કે 'ત્રિરંગો વાયરસ'થી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

આ વાયરસની અસરના કારણે ટામેટાંના રંગ અને કદમાં તફાવત જોવા મળ્યો છે. આ વાયરસને લીધે, ટામેટાં અંદરથી કાચાને કાચા જ કાળા થઈ જાય છે અને સડવા લાગે છે. આવાં ટમેટાં ઉપર પીળા ટપકાં પણ જોવા મળી રહ્યાં છે, જેના કારણે હવે તેની ખેતી જોખમમાં છે. ખેડુતો કહી રહ્યા છે કે હવે તેમને એક વર્ષ માટે ટામેટાંનું ઉત્પાદન બંધ કરવું પડશે.

સ્થાનિક ટામેટા ખેડૂત રમેશ વાકલેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે હવે ખેતરોમાં ટામેટાં લાલને બદલે પીળા થઈ ગયાં છે. તેમના રંગને કારણે કોઈ પણ બજારમાં ટામેટાની ખરીદી કરી રહ્યું નથી. પહેલેથી જ, કોરોનાને કારણે, ખેડૂતોનો માલ વેચાયો ન હતો, પરંતુ હવે તે બગડવાનું શરૂ થયું છે. ખેડૂતોએ વાયરસવાળા ટામેટાંમાં ત્રણ રંગ જોવા મળતા હોવાથી તેને ત્રિરંગો વાયરસ નામ આપ્યું છે.

અખિલ ભારતીય કિસાન સભા (એઆઈકેએસ) ના મહાસચિવ (મહારાષ્ટ્ર) અજિત નવલેએ બિઝનેસલાઇન સાથેની વાતમાં જણાવ્યું કે, પાકને મોટાપાયે નુકસાન થયું છે. છોડના પાંદડા સુકાઈ રહ્યાં છે અને પાકેલા ટામેટાં અનિયમિત આકારથી વિકસાવી રહ્યાં છે અને તેમનું સત્વ ગુમાવી રહ્યાં છે. લણણી માટે તૈયાર પાકમાં વાયરસ આવી જતા તે નકામો બની ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ટમેટાંનાં વાવેતરનું ચલણ વધ્યું છે. એક એકરમાં ટામેટાંની ખેતીમાં આશરે એકથી બે લાખનો ખર્ચ થાય છે. ટામેટાંના જે છોડ ફેબ્રુઆરીમાં વાવેતર કરવામાં આવ્યા હતા તેમાં ટમેટાં પીળા રંગના થયાં હતાં. પાછળથી, તેમનો રંગ સફેદ થઈ ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અહમદનગર, પુના અને નાશિક જિલ્લાના હજારો એકર વિસ્તારમાં ટમેટાં ઉપર 'ત્રિરંગો વાયરસ'ત્રાટકયો છે.

(3:56 pm IST)