Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નવા રોકાણોને આકર્ષવા ભારત કરી રહ્યું છે ટેકસ હોલિડેની યોજના પર વિચાર

નવી દિલ્હી, તા. ૧૩: કોરેના વાયરસની મહામારીને પગલે ઠપ થયેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઉદ્યોગ મંત્રાલયે ટેક્સ હોલિડેની દરખાસ્ત મૂકી છે. આ મામલાના જાણકાર લોકોએ આ માહિતી આપી છે.

આ લોકોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે, જે કંપની દેશમાં ૫૦ કરોડ ડૉલરનું રોકાણ કરે તેને ૧૦ વર્ષ માટે ટેક્સમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, દરખાસ્ત મુજબ આ ટેક્સ હોલિડે પીરિયડનો લાભ લેવા માટે કંપનીએ ૧ જૂનથી ત્રણ વર્ષમાં તેનું કામકાજ શરૂ કરવાનું રહેશે. જે કંપનીઓને ટેક્સ હોલિડેનો લાભ આપવાની દરખાસ્ત છે, તેમાં મેડિકલ ડિવાઈસીસ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને કેપિટલ ગુડ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જે કંપની લેબર ઈન્ટેસિવ સેક્ટર્સ જેવા કે ટેક્સટાઈલ્સ, ફૂડ પ્રોસેસિંગ, લેધર અને ફૂટવેરમાં ૧૦ કરોડ ડોલર કે તેનાથી વધુનું રોકાણ કરશે તેને ૫ વર્ષ ટેક્સ હોલિડેનો લાભ આપવામાં આવશે. આગામી છ વર્ષ માટે લોએર ટેક્સ ૧૦ ટકા રાખવાની દરખાસ્ત કરાઈ હોવાનું આ લોકોનું કહેવું હતું. આ દરખાસ્તને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

ચીન છોડીને આવતી કંપનીઓને સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવવાની ઓફર આપવા ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીનું વહીવટી મંડળ રોકાણકારોને આકર્ષવાના અર્થતંત્રને કોરોના મહામારીની અસરથી બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

એશિયાની ત્રીજા નંબરની ઇકોનામી છેલ્લા ચાર દાયકામાં પહેલી વખત આખા વર્ષની મંદી તરફ આગળ વધી રહી છે. એપ્રિલમાં ૧૨.૨ કરોડ લોકોએ રોજગારી ગુમાવી હોવાનો અંદાજ છે અને વસ્તુઓની માગમાં પણ ઘટાડો થયો છે.

ઉદ્યોગ મંત્રાલયના પ્રવક્તાએ ફોન ઉપાડ્યો નહતો, જ્યારે નાણા મંત્રાલયના પ્રવક્તાએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

(3:55 pm IST)