Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના ઇફેકટ

વિમાનમાં મુસાફરી કરવાના નિયમો બનશે કડક

૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતને મંજુરી નહિ : ફલાઇટના સમયથી બે કલાક વહેલુ આવવાનું રહેશે : સોશિયલ ડિસ્ટન્સના નિયમનું કડક પાલન કરાવાશે

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં પ્રવાસી ટ્રેનોને આંશિકરૂપે શરૂ કરવાની મંજૂરી મળ્યા પછી હવે બધાની નજર સ્થાનિક ફલાઈટ્સ શરૂ થવા પર છે. વ્યાવસાયિક ફલાઈટ્સ ફરીથી શરૂ કરવાના પ્રથમ તબક્કા માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલી માર્ગદર્શિકામાં કેબિન બેગ નહીં,  આરોગ્ય સેતુનો ફરજિયાત ઉપયોગ અને ફલાઈટ રવાના થાય તેના બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવા જેવા કેટલાક સૂચનોનો સમાવેશ કરાયો છે. જોકે, આ માર્ગદર્શિકા હજૂ સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. દેશમાં કોવિડ-૧૯ના કારણે ૨૫મી માર્ચથી બધી જ હવાઈ પ્રવાસી સેવા રદ કરી દેવામાં આવી છે.

દેશમાં સ્થાનિક વિમાની સેવા શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટર્સ સાથે એક બેઠક યોજી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દેશમાં વ્યાવસાયિક સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેડયુર (એસઓપી)ના મુસદ્દા સાથે આગળ આવ્યું છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે એરલાઈન્સ અને એરપોર્ટ પાસેથી માત્ર મુસદ્દારૂપે સૂચનો માગવામાં આવ્યા હતા. આ એસઓપીને અંતિમરૂપ અપાયું નથી.

સૂચિત મુસદ્દા મુજબ આરોગ્ય સેતુ પર ગ્રીન સ્ટેટસ, વેબ ચેક-ઈન, અને બધા જ સ્થાનિક ઉડ્ડયનો માટે પ્રવાસીઓના ટેમ્પરેચર ચેકની દરખાસ્ત કરાઈ છે. આ મુસદ્દા મુજબ એસઓપીનો અમલ માત્ર પ્રવાસીઓએ જ નહીં, સલામતી એજન્સીઓ તથા એરપોર્ટ ઓપરેટર્સે પણ કરવાનો રહેશે. સૂચિત મુસદ્દા મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા માટે વિમાનમાં વચ્ચેની બેઠકો ખાલી રાખવા ભલામણ કરાઈ છે. ટર્મિનલ ગેટ પર ભીડ ઓછી કરવા માટે પ્રવાસીઓના આઈડી તપાસવાની જરૂર રહેશે નહીં.

મંત્રાલયે હાલ એરલાઈન અને એરપોર્ટ ઓપરેટર્સ સહિત ઉડ્ડયન ઉદ્યોગમાં હિસ્સેદારોને તેની માર્ગદર્શિકાની સમિક્ષા કરવા જણાવ્યું છે. સૂચિત નિયમ મુજબ બધા જ પ્રવાસીઓ માટે તેમના ઘરે વેબ-ચેક ઈન પૂરું કર્યા પછી જ એરપોર્ટ પર આવવાનું ફરજિયાત બનાવાશે. પ્રવાસીઓને એરપોર્ટ પર બે કલાક વહેલાં આવવાનું રહેશે. છ કલાકના સમયમાં જેમની ફલાઈટ્સ રવાના થવાની હોય તેવા પ્રવાસીઓને જ એરપોર્ટમાં પ્રવેશ અપાશે.

એરલાઈનની કામગીરી શરૂ થયાના પ્રથમ તબક્કામાં પ્રતિ પ્રવાસી માત્ર ૨૦ કિલોથી ઓછા વજનની એક જ ચેક-ઈન બેગને મંજૂરી અપાશે. તેનાથી વધુ સામાનને મંજૂરી નહીં અપાય. નવા મુસદ્દામાં પ્રવાસીઓને એરપોર્ટ પર નવી પ્રક્રિયાઓથી માહિતગાર રહેવા સલાહ અપાશે. પ્રવાસીઓએ ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને એરપોર્ટ પર વિવિધ જગ્યાએ સ્પર્શ કરવાનું ટાળવા જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે.

સૂચિત માર્ગદર્શિકા મુજબ વય અથવા અન્ય કારણસર કોઈ પ્રવાસીને બોર્ડિંગ કરતાં અટકાવાશે તો તેને કોઈપણ દંડ વિના પ્રવાસની તારીખ બદલવાની મંજૂરી અપાશે. બધા જ પ્રવાસીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કરાશે. માત્ર ગ્રીન સ્ટેટસ ધરાવતા પ્રવાસીને જ એરપોર્ટમાં પ્રવેશવાની મંજૂરી અપાશે.

એરલાઈન્સને વિમાનના ડીપાર્ચર સમયના ત્રણ કલાક પહેલાં ચેક-ઈન કાઉન્ટર ખોલવા અને ૬૦થી ૭૫ મિનિટ પહેલાં બંધ કરવા જણાવાશે. બોર્ડિંગ ડિપાર્ચર સમયના એક કલાક પહેલાં શરૂ થશે અને ૨૦ મિનીટ પહેલાં બંધ થઈ જશે. ઉપરાંત એરલાઈન્સને પ્રવાસી વિમાનમાં દાખલ થાય તે પહેલાં બોર્ડિંગ ગેટ પર પણ બીજી વખત પ્રવાસીનું તાપમાન ચકાસવા જણાવાશે.

(3:54 pm IST)