Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

'લોકડાઉન એક અઠવાડિયું લંબાવાયું તો દેશમાં એક તૃતિયાંશ પરિવાર રોડ પર આવી જશે'

નવી દિલ્હી, તા.૧૩: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકાડાઉન ૩.૦ આ મહિનાની ૧૭મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના એક સર્વેમાં એ જાણવા મળ્યું છે કે લોકડાઉન જો વધુ એક અઠવાડિયું લંબાવવામાં આવ્યું તો ભારતીય પરિવારોમાંથી એક તૃતિયાંશ કરતા વધારે લોકો પાસે જીવન જીવવા માટે જરુરી સામગ્રી પૂરી થઈ જશે.

કોરોના વાયરસના લોકડાઉનના કારણે પરિવારની આવકના આધારે સ્ટડી કરવામાં આવી છે. મંગળવારે રજૂ કરવામાં આવેલી સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ૮૪ ટકા કરતા વધારે પરિવારોની માસિક આવકમાં ઘટાડો થયો છે. દેશમાં નોકરી-ધંધો કરતા લોકોમાં ૨૫ ટકા લોકો આ સમયે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈકોનોમીના ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક કૃષ્ણનને કહ્યું, જો આખા દેશની વાત કરીએ તો ૩૪ ટકા દ્યરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમની પાસે માત્ર એક અઠવાડિયું ચાલી શકે તેટલો સામાન બચ્યો છે. એક અઠવાડિયા પછી તેમની પાસે કશું નહીં બચે.

તેમણે એ વાતની પણ માહિતી આપી કે સમાજમાં ઓછી ઉંમરના (યુવાન) લોકોએ તાત્કાલિક મદદ માટે જવાની જરુર પડશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ઓછી ઉંમરના લોકોને જલદીમાં જલદી કેશ ટ્રાન્ઝેકશનની જરુરિયાત છે. જો સરકાર આવું નહીં કરે તો કુપોષણ અને ગરીબીના કારણે થનારી તકલીફમાં ઝડપથી વધારો થઈ શકે છે.

આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે દેશમાં બેરોજગારીનો આંકડો ઝડપથી વધ્યો છે. ૨૧ માર્ચે ભારતમાં બેરોજગારીનો દર ૭.૪ ટકાથી ૫મે થી વધીને ૨૫.૫ ટકા થઈ ગઈ છે. બેરોજગારી વધવાના કારણે દેશમાં ઘરોની આવકમાં ઘટાડો થયો છે. જેમાં ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં ૬૫ ટકા પરિવારો પાસે ૧ અઠવાડિયા સુધી જીવન ચલાવવા માટે સાધન-સામગ્રી વધી છે, જયારે ગામડાઓમાં ૫૪ ટકા લોકોએ કહ્યું કે તેમની પાસે ઘણાં ઉપાય છે.

દિલ્હી, પંજાબ અને કર્ણાટકમાં જયાં લોકડાઉનની ઓછી અસર પડી છે ત્યારે બિહાર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજયોમાં લોનના કારણે લોકોની આવક પર ઘણી અસર પડી છે.

(3:51 pm IST)