Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વંદે ભારત મિશનઃ ૧૬ મેથી શરૂ થશે બીજો તબક્કો ૩૧ દેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થશે

વંદે ભારત મિશનનો બીજો તબક્કો ૧૬-૨૨ મે સુધી ચાલશે, આ દરમિયાન ૩૧ દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે ૧૪૯ વિમાનોનું સંચાલન કરવામાં આવશે

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસથી આખી દુનિયા પરેશાન છે. કોરોનાના સંક્રમણને રોકવામાં અમેરિકા, જાપાન, રશિયા જેવા મોટા દેશ નિષ્ફળ થયા અને પોતાની સીમાઓ સીલ કરી લોકડાઉન કરી રાખ્યું છે. જેના કારણે કેટલાય ભારતીયો વિવિધ દેશોમાં ફસાઈ ગયા છે. જેને કાઢવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન લોન્ચ કર્યું હતું. મિશનના પહેલા તબક્કા અંતર્ગત ૧૪ હજાર લોકોને કાઢવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જયારે ૧૬ મેથી સરકારે આ મિશનનો બીજો તબક્કો શરૂ કરવાનો ફેસલો લીધો છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓ મુજબ વંદે ભારત મિશનનો બીજો તબક્કો ૧૬-૨૨ મે સુધી ચાલશે. આ દરમિયાન ૩૧ દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે ૧૪૯ વિમાનોનું સંચાલન કરવામાં આવશે. આ તબક્કામાં કેરળમાં ૩૧, દિલ્હીમાં ૨૨, કર્ણાટકમાં ૧૭, તેલંગાણામાં ૧૬, ગુજરાતમાં ૧૪, રાજસ્થાનમાં ૧૨, આંધ્ર પ્રદેશમાં ૯, પંજાબમાં ૭, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૬-૬ ઉડાણની લેન્ડિંગ થશે. જયારે ઓરિસ્સામાં ત્રણ, ચંદીગઢમાં બે અને જમ્મુ-કાશ્મીર, જયપુર, મુંબઈ અને મધ્ય પ્રદેશમાં એક-એક વિમાનના લેન્ડિંગનો પ્લાન છે.

જયારે USAમાં ફસાયેલા લોકોને કાઢવા માટે એર ઈન્ડિયા ૧૯ મેથી સાત વિમાનોનું સંચાલન કરશે. આ ઉડાણ સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, શિકાગો અને ન્યૂયોર્કમાં સંચાલિત થશે. પહેલા તબક્કાની જેમ જ દેશના વિવિધ ભાગમાં આ વિમાનોનું લેન્ડિંગ થશે. જે અંતર્ગત ૧૨૦૦ ભારતીયોને એરલિફ્ટ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સાત મે ૨૦૨૦થી શરૂ થયેલ પહેલા તબક્કા અંતર્ગત મંગળવાર સુધી ૩૧ ઉડાણ માટે ૬૦૩૭ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

(3:43 pm IST)