Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આલેલે.. કોરોના સંકટ વચ્ચે ભાજપાએ બિહાર ચુંટણીની તૈયારી પણ શરૂ કરી દીધી

૬૨ હજાર બુથ પ્રમુખોની નિમણુકોઃ તમામ બુથ ઉપર ૭ લોકોની કમીટી પણ રચાશે

નવી દિલ્હી,તા.૧૩: કોરોના સંકટ વચ્ચે બિહારમાં વિધાનસભા ચૂંટણી તૈયારીઓ ધીમે-ધીમે શરૂ થઇ ગઇ છે. આ વર્ષે થનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને ભાજપાએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપા પ્રમુખ નડ્ડાના આદેશ પર બિહાર ભાજપાએ બધા ૨૪૩ જીલ્લાઓમાં ચૂંટણી પ્રભારી પણ નિમી દીધા છે. નવા નિમાયેલા જીલ્લા ચુંટણી પ્રભારીઓએ પોત પોતાના જીલ્લાની ચુંટણી તૈયારી, રાજકીય સ્થિતિ અને આગામ રણનીતિ પર એક વિસ્તૃત રિપોર્ટ ભાજપા અધ્યક્ષ સંજય જયસ્વાલને સોંપવાનો છે. પછી આ રિપોર્ટોનું સંકલન કરીને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને સોંપવામાં આવશે.

આ સાથે જ કેન્દ્રએ બધા બૂથો પર સાત લોકોની એક કમિટિ રચવાનું કહ્યું છે. જેને સપ્તર્ષિ તરીકે ઓળખવામાં આવશે. આ કમિટીમાં એસસી, એસટી અને પછાત વર્ગના એક એક પ્રતિનિધીને સામેલ કરવાનું કહેવાયું છે. પક્ષે એવો પણ આદેશ આપ્યો છે કે આ કમિટીમાં યુવા અને મહિલાઓને પણ સામેલ કરવામાં આવે.

બિહાર ભાજપા અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે, સંગઠનનું કામ કાયમ ચાલતુ રહે છે. અમે દેશવ્યાપી લોકડાઉન છતાં રાજયભરમાં ૬૨ હજાર બુથ પ્રમુખ નિમી દીધા છે. તેમણે કહ્યું કે આ બુથ પ્રમુખો કેન્દ્ર સરકારે કરેલા કામોને ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરશે.

(3:06 pm IST)