Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સ્પેનમાં 113 વર્ષની મહિલાએ કોરોનાને હરાવી જીતી જિંદગીની જંગ

મારિયા બ્રાયંસ કોરોના વાયરસ સામે જંગ જીત્યા :1918-1919માં સ્પેનિશ ફ્લૂને પણ મ્હાત આપી હતી

નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)એ મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કર્યા છે. લાખો લોકો આની ચપેટમાં આવી ગયા અને મોટી સંખ્યામાં લોકોના આ વાયરસથી મોત થયા છે. પરંતુ આ દરમિયાન અમુક એવા લોકો પણ સામે આવ્યા જેમણે પોતાની હિંમત અને ઉત્સાહથી આ જાનલેવા વાયરસને પણ હરાવી દીધો. જેમણે આપણને શીખવ્યુ કે કોઈ પણ વાયરસ ભલે ગમે તેટલો પણ ખતરનાક કેમ ન હોય, તે કોઈના ઉત્સાહ અને જીવવાની શક્તિથી વધુ બળવાન નથી. આનુ જ્વલંત ઉદાહરણ સ્પેનમાં રહેતા એક 113 વર્ષના વૃદ્ધ મહિલા છે.

   113 વર્ષના મારિયા બ્રાયંસ કોરોના વાયરસ સામે જંગ જીતી ચૂક્યા છે. તે સ્પેનના સૌથી વૃદ્ધ મહિલા છે જેમણે કોરોના વાયરસને હરાવીને બાકીના લોકોનુ પણ મનોબળ વધાર્યુ છે. મારિયા બ્રાયંસે કોરોના વાયરસ સામે લડીને માત્ર જિંદગીની જંગ જ નથી જીતી પરંતુ તે દુનિયાના એ સૌથી વૃદ્ધ મહિલા પણ બની ગયા છે જેમણે આ જાનલેવા વાયરસને હરાવી દીધો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મારિયા એપ્રિલ મહિનામાં આ વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા

   ત્યારબાદ તેમણે ખુદને આઈસોલેટ કરી દીધા. આ દરમિયાન તેઓ પોતાના પરિવારના સંપર્કમાં રહ્યા. ગયા અઠવાડિયે જ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. તે ઘણા સપ્તાહ સુધી પોતાના રૂમમાં આઈસોલેટ રહ્યા હતા. માત્ર એક કર્મચારીને જ તેમની દેખરેખની જવાબદારી આપવામાં આવી હતી. મારિયાનો જન્મ 1907માં સાન ફ્રાંસિસ્કોના એક સ્પેનિશ પ્રવાસી પરિવારમાં થયો હતો. તેમના જન્મના થોડા દિવસ બાદ તેમનો પરિવાર સ્પેન પાછો આવી ગયો. તમને જણાવી દઈએ કે મારિયા બ્રાયંસે 1918-1919માં સ્પેનિશ ફ્લૂને પણ મ્હાત આપી હતી. એ મહામારી દરમિયાન પણ તે સુરક્ષિત રહ્યા. આ ઉપરાંત બે વિશ્વયુદ્ધ અને સ્પેનના ગૃહયુદ્ધ દરમિયાન પણ તેમણે વિપરીત પરિસ્થિતિમાં જિંદગીને સંભાળી રાખી હતી

મારિયા જે કેર હોમમાં રહે છે ત્યાં ઘણા લોકોના કોરોના વાયરસથી મોત થઈ ચૂક્યા છે. વળી, આખા દેશની વાત કરીએ તો સ્પેન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનુ એક રહ્યુ છે. અહીં 27 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. મરનારમાં મોટાભાગે વૃદ્ધ લોકો જ શામેલ છે. અહીં રિટાયરમેન્ટ હોમમાં રહેતા વૃદ્ધો મોટી સંખ્યામાં વાયરસની ચપેટમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મારિયાથી પહેલા 107 વર્ષના એના ડેલ વેલે પણ સંક્રમણથી રિકવર થયા છે. એના ડેલ 5 વર્ષની ઉંમરમાં સ્પેનિશ ફ્લૂ બિમારીથી રિકવર થયા હતા.

(12:14 pm IST)