Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભારતના રિટેલ વેપારીઓને ૭.૫૦ લાખ કરોડનું જંગી નુકસાન

માર્કેટ ખુલ્યા પછી ૨૦% વેપારીઓ ધંધો જમાવી નહી શકે, તેમના પર નિર્ભર નાના વેપારીઓ પડી ભાંગશે

નવી દિલ્હી, તા.૧૩: ભારતમાં છૂટક વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના કહેવા મુજબ કોરોના વાયરસના લીધે દેશવ્યાપી કરાયેલા ૫૦ દિવસના લોકડાઉનમાં છૂટક વેપારીઓને આશરે ૭.૫૦ લાખ કરોડ રુપિયાનુ ભારે નુકસાન પહોંચ્યુ છે. જેના લીધે કેન્દ્ર અને રાજય સરકારને જીએસટી રેવન્યૂમાં પણ આશરે દોઢ લાખ કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે. કેટના કહેવા મુજબ ૨૪ માર્ચથી દેશભરમાં લોકડાઉન કરાયુ છે ત્યાંરથી અત્યાર સુધીના ૫૦ દિવસ દરમિયાન છૂટક વેપારીઓને એક રુપિયાનો વેપાર થયો નથી. વર્તમાન સ્થિતિ એવી છે લાંબા સમયથી ઘરોમાં બંધ લોકો એવા ટેવાઇ ગયા છે કે, લોકડાઉન ખુલવા પર પણ માર્કેટમાં માત્ર ૨૦ ટકા ગ્રાહકો જ આવશે એવી સંભાવનાઓ છે. કોરોના સંક્રમણનો ડર લોકોને બજારમાં આવતા રોકી રહ્યો છે અને ભવિષ્ટમાં પણ આ સ્થિતિ રહેશે.

કેટના અનુમાન મુજબ લોકડાઉનના ૫૦ દિવસમાં વેપારીઓને એટલુ બધુ નુકસાન પહોંચ્યુ છે કે, લોકડાઉન ખુલ્યા પછી કુલ વેપારીઓના ૨૦ ટકા વેપારીઓ ધંધો ફરીથી જમાવી નહીં શકે અને તેમની પર નિર્ભર નાના વેપારીઓ પણ પડી ભાંગશે. કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલનુ માનવુ છે કે લોકડાઉન પછી દેશમાં વેપાર કરવાનો ઢબ બદલાઇ જશે, નવા વાતાવરણમાં ટેકનીક પર વધારે જોર અપાશે અને રોકડને બદલે ડિજિટલ પેયમેન્ટ ઉપયોગમાં લેવાશે એની સાથે સફાઇ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પણ અસરકારક નીવડશે. તેમના મુજબ કોરોના વાયરસે જેટલુ આર્થિક નુકસાન પહોંચાડયુ છે એની ભરપાઇ મુશ્કેલ છે.

(11:41 am IST)