Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કાબુલમાં ટેરરીસ્ટોએ ૧૫ માતાઓની હત્યા કરી

આતંકીઓની નરાધમતાની પરાકાષ્ટા : સ્મશાનયાત્રા અને મેટરનીટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો :અફઘાન રાજધાનીના પશ્ચિમ વિસ્તારમાં તાલીબાની આતંકીઓએ નવજાત બાળકો - માતાઓ સહિત ૨૫નો જીવ લીધો :કાબુલમાં રમઝાનનો પવિત્ર મહિનો લોહિયાળ બન્યોઃ નિર્દોષો સામે બર્બર કૃત્ય : ભારતે વખોડી કાઢ્યુ

કાબુલ, તા.૧૩: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મંગળવારે એકવાર ફરી ભયાનક આંતકી હુમલાના કારણે હચમચી ગઈ. કાબુલના પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદીઓએ એક મેટરનીટી હોસ્પિટલ ઉપરાંત એક અંતિમયાત્રા અને સૈન્ય ચોકી પર હુમલો કર્યો. જેમાં બે નવજાત શિશુઓ ૧૪ માતાઓ સહિત ૨૫ના મોત થયા છે. માહિતી મુજબ આંતરિક બાબતોના મંત્રાલયે જે તસવીરો જાહેર કરી છે. તે મુજબ અફઘાનિસ્તાન સુરક્ષા દળના જવાનોએ હોસ્પિટલથી કેટલાક બાળકો અને તેમની માતાઓને સુરક્ષિત બાહર કાઢ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં પણ કાબુલમાં ઘાતક આતંકી હુમલો થયો હતો.

માહિતી મુજબ હિંસાની આગે કાબુલથી આગળના અન્ય વિસ્તારોને પણ પોતાની ચપેટમાં લીધા છે. ઇસ્લામિક સ્ટેટનું પ્રભુત્વ ધારવતા નાનગરહર પ્રાંતમાં એક અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરી ઓછામાં ઓછા ૨૧ લોકોને મોતને દ્યાટ ઉતાર્યા હતા. જયારે આ ઘટનામાં ૫૫ લોકોને ગંભીર ઈજા થઈ હતી. પૂર્વી ખોસ્ત પ્રાંતમાં એક અન્ય ઘટનામાં એક બજારમાં બોમ્બ વિસ્ફોટ થતા એક બાળકનું મોત નીપજયું હતું જયારે ૧૦ લોકો ઘાયલ થયા હતા.

રિપોર્ટ મુજબ આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવકતા તારિક એરીએ કહ્યું કે બિલ્ડિંગથી ૧૦૦ માતાઓ અને બાળકોને બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હુમલામાં ૧૫ અન્ય લોકો ઘાયલ થયા છે. જેમા મહિલાઓ અને બાળકો સામેલ છે. જો કે કાબુલમાં થયેલ આ આતંકી હુમલાની અત્યાર સુધી કોઈ જવાબદારી લીધી નથી. આપણે જણાવી દઈએ કે આઈએસ અને તાલિબાન આતંકવાદી સંગઠન અફગાન સૈન્ય અને સશસ્ત્ર દળ પર હુમલો કરતા હોય છે.

દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં એક સૈન્ય હોસ્પિટલ, એક મૃતકના અંતિમ સંસ્કાર, અને સૈન્ય તપાસ ચોકીને નિશાન બનાવીને કરાયેલા અલગ અલગ આતંકી હુમલાની આકરી ટીકા કરી છે અને તેને મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષો વિરુદ્ઘ બર્બર કૃત્ય ગણાવ્યું છે. આતંકીઓએ કાબુલના એક બાળકો-મહિલાઓની હોસ્પિટલ પર હુમલો કર્યો જેમાં બે નવજાત શિશુઓ અને તેમની માતાઓ સહિત ૧૪ લોકોના જીવ ગયા.

અન્ય એક હુમલામાં આત્મદ્યાતી હુમલાખોરે નાનગહર પ્રાંતમાં એક મૃતકના અંતિમ સંસ્કારને નિશાન બનાવ્યો જેમાં ઓછામાં ઓછા ૨૪ લોકોના જીવ ગયા જયારે ૬૮ લોકો દ્યાયલ થયાં. આ વિસ્તાર ઈસ્લામિક સ્ટેટ સંગઠનની સક્રિયતાવાળો વિસ્તાર છે.

નિવેદનમાં એમ પણ કહેવાયું કે, રમઝાનના પવિત્ર માસ ઉપવાસ, પ્રાર્થના અને વિચાર કરવાનો સમય હોવો જોઈએ. તેમા કહેવાયું કે, અમે આહવાન કરીએ છીએ કે આતંકવાદી હિંસા પર તરત રોક લાગવી જોઈએ અને અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસના પ્રસારને કારણે ઉત્પન્ન થનારી સ્થિતિને પહોંચી વળવા માટે સહયોગ કરવો જોઈએ.

કાબુલમાં શિયા વિસ્તારમાં કિલનિક પર આ આતંકી હુમલો થયો હતો.

હુમલા સમયે મેટરનીટી કિલનિક અને હોસ્પિટલમાં ૮૦થી વધુ મહિલાઓ હતી, હુમલાની જવાબદારી કોઇ સંગઠને નથી લીધી. આતંકીઓએ શિયા મુસ્લિમ વિસ્તારને ધ્યાનમાં રાખીને આ હુમલો કર્યો હતો, હુમલાખોરોએ કિલનિકની સાથે તેની પાછળ આવેલા ગેસ્ટ હાઉસને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ કિલનિકની પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ ગેસ્ટ હાઉસમાં વિદેશી નાગરિકો રોકાયા હોવાની બાતમી આતંકીઓને મળી હતી. આતંકીઓ સુરક્ષા જવાનોના ડ્રેસમાં આવ્યા હતા અને તેમની સંખ્યા ત્રણ જેટલી હતી. આ પહેલા અહીં એક વ્યકિતનું મોત નિપજતા તેને અંતિમ ક્રિયા માટે કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક આતંકીએ આત્મદ્યાતી વિસ્ફોટ કર્યો હતો જેમાં ૨૧ લોકો માર્યા ગયા હતા અને ૫૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. જયારે અહીંના ખોસ્ટ પ્રાંતમાં એક કાર્ટમાં બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો જેમાં એક બાળકનું મોત નિપજયું હતું જયારે ૧૦ લોકો ઘવાયા હતા.

(3:58 pm IST)