Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનના ૫૦ દિવસ...શું ગુમાવ્‍યું અને શું મેળવ્‍યું ? રસપ્રદ વિશ્‍લેષણ

લોકડાઉનને કારણે લોકોના જીવન જીવવાની રીતમાં ફેરફાર થયોઃ આર્થિક રીતે જોતા રોજ હજારો કરોડનું નુકશાન થયું: રેલ્‍વે, એરલાઈન્‍સની હાલત કફોડીઃ વેપાર ઉદ્યોગ ધંધા ઠપ્‍પ થયા : બેકારી વધીઃ અપરાધ ઘટયાઃ વિકાસ દરે ગોથુ ખાધું: અકસ્‍માતો ઘટયાઃ ઓનલાઈન કામકાજ વધ્‍યુઃ પર્યાવરણ સુધર્યુઃ ઓનલાઈન શિક્ષણ-દિક્ષાંત સમારોહ યોજાયો

નવી દિલ્‍હી, તા. ૧૩ : કોરોનાના કહેરથી બચાવવા માટે લાગુ લોકડાઉને ખાન-પાન, અવરજવર, રોજગાર, કામકાજથી લઈને અભ્‍યાસ અને મનોરંજન સુધી આપણી જીવનશૈલીની દરેક બાબતોને પ્રભાવિત કરેલ છે. આર્થિક દ્રષ્‍ટિએ જોઈએ તો દુકાન અને કારખાના બંધ હોવાથી રોજ હજારો કરોડનું નુકશાન થયુ, બેરોજગારી ૩ ગણી વધી અને લાખો પ્રવાસી શ્રમિક ઔદ્યોગિક વિસ્‍તારોમાં ફસાય ગયા છે પરંતુ સામાજિક પક્ષની સકારાત્‍મક બાબતો જોઈએ તો ઓનલાઈન ધોરણો, દીક્ષાંત સમારોહ, વિડીયો કોન્‍ફરન્‍સીંગથી સંવાદ અને મનોરંજન માટે વેબસીરીઝ પર નિર્ભરતાથી દેશને આવી કટોકટીની સ્‍થિતિ માટે તૈયાર રહેવાની તક મળી છે.

જાન હૈ તો જહાન હૈ..ના મુળ મંત્ર ઉપર અમલ કરતા સરકારે જીંદગી બચાવવાને પ્રાથમિકતા આપી છે. જો કે મહારાષ્‍ટ્રમાં મુંબઈ, પૂણે, દિલ્‍હી, હરીયાણાના ગુરૂગ્રામ, ફરીદાબાદ, યુપીના ગૌતમ બુદ્ધ નગર, ગુજરાતના સુરત જેવા મોટા ઔદ્યોગીક શહેરોમાં બંધથી સરકારને લોકડાઉનમાં રોજ ૪૦ હજાર કરોડનું નુકશાન સહન કરવુ પડયુ છે. ટ્રેન અને વિમાન સેવા બંધ છે.

ભારત વિશ્વનો ત્રીજો ઉભરતો દેશ હતો પરંતુ હવે ૧૦મા ક્રમે પણ આવવાનુ મુશ્‍કેલ છે. રેલ્‍વેને લગભગ ૨૦,૦૦૦ કરોડનું નુકશાન ૫૦ દિવસમાં થયુ છે. ૯૦ ટકા નાના અને મધ્‍યમ ઉદ્યોગો વેતન આપવાની સ્‍થિતિમાં નથી. ૫ લાખ મજુરો વતન પહોંચી ગયા છે. જો કે પાછલા કેટલાક વર્ષોની ડીઝીટલ ક્રાંતિનો ભારતને લાભ મળ્‍યો છે. ઓનલાઈન કામકાજ વધ્‍યુ છે. જે ૮ ગણુ વધી ગયુ છે.

૫૦ દિવસમાં રેલ્‍વેને દર મહિને ૪૫૦૦ કરોડનું નુકશાન થયુ છે. પહેલા રોજ ૧૫૫૨૩ ટ્રેન ચાલતી તેના બદલે હવે ૧ ટકો ચાલે છે. લોકડાઉન પહેલા વાહનોનું વેચાણ શૂન્‍ય રહ્યુ છે. આ ગાળા દરમિયાન ભારતનો વિકાસ દર ગગડી ગયો છે. ભારત ૧૦ વર્ષ પહેલાની સ્‍થિતિમાં આવી ગયો છે. એરલાઈન્‍સને ૬૭૦૦૦ કરોડનું નુકશાન થયુ છે. રોજગારી ઘટી છે.

લોકડાઉનના ૫૦ દિવસમાં વેબસીરીઝ જોવાવાળા વધી ગયા, રેડીયો સાંભળનારા વધી ગયા. બે થી ત્રણ કલાક યુવાનો સોશ્‍યલ મીડીયા પર રહે છે. આ ઉપરાંત લોકડાઉનમા ગુન્‍હા પણ ઘટયા છે. જો કે ઘરેલુ હિંસાના મામલા ૩૦ ટકા વધી ગયા છે.

પર્યાવરણના ક્ષેત્રે પણ ધરખમ ફેરફારો થયા છે. લોકડાઉન પહેલા ભારતના ૨૦ શહેરો પ્રદુષિત શહેરો હતા હવે ૩ શહેરો રહી ગયા છે. ૯૧ મોટા શહેરોમાં પ્રદુષણ ઘટયુ છે. આ દરમિયાન ઓનલાઈન ડોકટરીના મામલા પણ વધ્‍યા.

(11:06 am IST)