Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનની હકારાત્મક-નકારાત્મક અસર અંગે સર્વે

લોકડાઉન પછી નવેસરથી શરૂઆત કરવા અંગે ૪૭ ટકા લોકો અત્યંત આશાવાદી

નવી દિલ્હી, તા.૧૩: કોરોના વાઇરસને પગલે વકરેલા કોવિડ-૧૯ ચેપી રોગચાળાનો સામનો કરવા અને સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકડાઉન અમલમાં મુકાયું છે. છેલ્લાં દોઢ મહિના કરતાં વધુ સમયથી લોકડાઉનમાં રહેવાને કારણે લોકો પણ થોડા દ્યણાં અંશે ટેવાઈ ગયા છે અને લોકોના માનસ પર તેની હકારાત્મક અસર પડી હોવાનું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો દેશમાં ગુજરાત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજય છે.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગ અને નહીં નફો- નહીં નુકસાનના ધોરણે ચાલતા મેહરિઝમ ફાઉન્ડેશન દ્વારા સંયુકત રીતે હાથ ધરાયેલા સર્વેમાં લોકડાઉનની હકારાત્મક અસરો વર્તાઈ હોવાનું જાણવા મળે છે. આ સર્વેક્ષણમાં મોટાભાગના લોકોએ એવું જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિને કારણે ભૂખ નહીં લાગવી કે ઊંદ્ય નહીં આવવી જેવી સમસ્યાનો સામનોે કરવો પડયો નથી. પોતાના પરિવાર સાથે સમય પસાર કરવામાં આનંદ અનુભવતા હોવાની વાત સાથે ૪૦.૮૭ ટકા લોકો 'સંમત' થયા હતા અને ૩૯.૭૫ ટકા લોકો 'સંપૂર્ણપણે સંમત'થયા છે. આ સર્વેમાં ૭૧૨ લોકોએ ભાગ લીધો હતો અને તેમને ૨૨ જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સર્વે- અભ્યાસ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરાયો હતો.

ગુજરાત યુનિવર્સિટી અને મેહરિઝમ ફાઉન્ડેશન દ્વારા પરામર્શ માટે એક ફ્રી હેલ્પલાઇન પણ ગોઠવવામાં આવી હતી અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત એવા ૫૦ સાઇકોલોજિસ્ટની એક ટીમ તૈયાર કરીને તેમનો ઉપયોગ કરાયો હતો.

થાન્ડાનીએ કહ્યું કે, કોરોનાથી ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત હોવા છતાં નવેસરથી શરઆત કરવા અંગે તેઓ ખૂબ જ આશાવાદી છે. સામાન્ય રીતે વૈશ્વિક મહામારી કદાચ આપણને એવી લાગણી જન્માવે છે કે, લોકડાઉનની પરિસ્થિતિ, ચેપના વધતા કેસો, હજુ સુધી કોવિડ રોગચાળા માટે અકસીર રસી શોધાઈ નથી, ઘેરે આળસુ બનીને બેસી રહેવાથી આપણા સ્વાસ્થ્ય માટે નકારાત્મક લાગણી પેદા થાય છે.

મેહરિઝમ ફાઉન્ડેશનનના સાઇકોમેટ્રિકસ અને કાઉન્સેલિંગના વડા જસબીરકૌર થાન્ડાનીએ જણાવ્યું હતું કે, સાઇકોલોજિસ્ટ- મનોવૈજ્ઞાનિક તરીકે અમારું માનવું છે કે, વર્તમાન શારીરિત હેલ્થ સમસ્યા- સંકટ નજીકના ભવિષ્યમાં માનસિક આરોગ્ય સમસ્યા તરફ દોરી જશે. અમે ચોક્કસપણે ન કહી શકીએ કયા પ્રકારની ક્રાઇસિસ- સંકટ સર્જાશે. આ અંગે ધારણા નક્કી કરવાને બદલે અમે લોકડાઉનની હકારાત્મક અને નકારાત્મક અસરો અંગે સર્વે તૈયાર કર્યો છે. જસબીરકૌર થાન્ડાનીની સાથે ગુજરાત યુનિવર્સિટીના સાઇકોલોજી અને શિક્ષણ વિભાગના ડાયરેકટર કામયાની માથુર પણ જોડાયા છે અને તેમણે ભેગા મળીને આ પ્રોજેકટ હાથ ધર્યો છે. થાન્ડાનીએ કહ્યું કે, સર્વેના તારણો-પરિણામોના આધારે અમે ઉપચારાત્મક અને નિવારણ પદ્ઘતિ તૈયાર કરીશું જેના પરિણામે લોકડાઉનને પગલે સર્જાનાર કોઈપણ સંકટભરી પરિસ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકીશું.

(10:27 am IST)