Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના+વરસાદી બીમારી = મુસીબતો હજી વધશે

'હવામાન બદલાવાની સાથે દેશમાં ચોમાસા સંબંધી બીમારીઓનું આગમન થશે, ચોમાસા દરમ્યાન ડેન્ગીના ૯૦ ટકા કેસ, ચિકનગુનિયાના ૮૦ ટકા કેસ, મલેરિયાના ૫૩ ટકા કેસ, ટાઇફોઇડના ૪૫ ટકા કેસ, લેપ્ટોસ્પાઇરોસિસના ૯ ટકા, કમળાના ૬૦ ટકા કેસ અને કોલેરાના મોટા ભાગના કેસ નોંધાતા હોય છે

મુંબઇ, તા.૧૩: આગામી ૧૧ જૂનથી દેશમાં ચોમાસાનું આગમન થવાની અપેક્ષા છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ હવામાનમાં પલટો આવતાં ચોમાસા સંબંધિત અન્ય બીમારીઓ સપાટી પર આવશે અને એ સાથે રાજયમાં કોવિડ-૧૯ની સ્થિતિ વણસશે એવો ભય વ્યકત કર્યો હતો. તેમના મતે ચોમાસાને લગતી કેટલીક બીમારીઓનું કોરોના વાઇરસ તરીકે ખોટું નિદાન કરવામાં આવી શકે છે અને એને કારણે અગાઉથી જ ભારણ અનુભવી રહેલી હોસ્પિટલો પર વધુ દબાણ સર્જાશે. આ પરિસ્થિતિ જીવલેણ નીવડી શકે છે અને સ્થિતિને પહોંચી વળવું રાજય સરકાર માટે મુશ્કેલ બની શકે છે.

સિનિયર એલર્જી અને અસ્થમા સ્પેશ્યાલિસ્ટ ડો. વિકાર શેખે જણાવ્યું કે 'હવામાન બદલાવાની સાથે દેશમાં ચોમાસા સંબંધી બીમારીઓનું આગમન થશે. ચોમાસા દરમ્યાન ડેન્ગીના ૯૦ ટકા કેસ, ચિકનગુનિયાના ૮૦ ટકા કેસ, મલેરિયાના ૫૩ ટકા કેસ, ટાઇફોઇડના ૪૫ ટકા કેસ, લેપ્ટોસ્પાઇરોસિસના ૯ ટકા, કમળાના ૬૦ ટકા કેસ અને કોલેરાના મોટા ભાગના કેસ નોંધાતા હોય છે. આ ઉપરાંત વાઇરલ તાવ અને ઝાડાના કેસ પણ વધી જાય છે. કોવિડ-૧૯ને કેસ સાથે આ કેસ વધતાં રાજયની હોસ્પિટલો પર મોટું દબાણ આવશે.'

નવી મુંબઈના ખારઘરના સિનિયર પીડિયાટ્રિશ્યન ડો. બી. શ્રીકાંતે જણાવ્યું કે 'ચોમાસા દરમ્યાન તાપમાન નીચું જતાં કોવિડ-૧૯ની સ્થિતિ વણસી શકે છે, કારણ કે એની સાથે મોસમી તાવ તથા અન્ય બીમારીઓનો પણ ઉમેરો થશે.'

શાળાઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે 'આદર્શ સ્થિતિ તો એ છે કે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવી જોઈએ અને વર્ગખંડોમાં બાળકો સંક્રમિત થવાની શકયતા વધી જતી હોવાથી ઓનલાઇન વર્ગો પર ભાર મૂકવો જોઈએ. જો બાળક સંક્રમિત હોય, પરંતુ તેનામાં લક્ષણો ન જોવા મળે તો તે સહેલાઈથી વાઇરસ ઘરે લઈ જાય છે.'

ચોમાસામાં વાઇરલ તાવ અને ઝાડાના કેસ પણ વધી જાય છે. કોવિડ-૧૯ના કેસ સાથે આ કેસ પણ વધતાં રાજયની હોસ્પિટલો પર મોટું દબાણ સર્જાશે.

(10:25 am IST)