Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમાં ૫૦ ટકા ગ્રામિણ ભારત ભરપેટ જમતુ નથી

૧૨ રાજ્યોના ગ્રામિણ વિસ્તારોના ૫૦૦૦થી વધુ ઘરોમાં થયેલો સર્વેઃ અડધા લોકો ભોજનમાં ઓછી ચીજો ખાય છેઃ ૨૪ ટકા લોકોએ બીજા પાસે માંગ્યુ અનાજ : ૮૪ ટકા લોકોનું કહેવુ છે કે તેમને જાહેર વિતરણ હેઠળ રાશન મળ્યું: ૧૬ ટકાને નથી મળ્યું: લોકડાઉનની ગ્રામિણ વિસ્તારોમાં માઠી અસર પડી

નવી દિલ્હી તા. ૧૩ : કોરોના વાયરસ અને લોકડાઉનની દેશભરના શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો પર ભારે અસર થઈ રહી છે. કેટલાક સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસની અસર સમજવા માટે દેશના ૧૨ રાજયોના ૫૦૦થી વધુ ગ્રામીણ પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ ટકા લોકો ઓછું જમે છે.

૬૮ ટકા પરિવારોએ કહ્યું કે તેઓએ ભોજનમા ખાદ્ય વસ્તુઓમાં ઘટાડો કર્યો છે. ૫૦ ટકા પરિવારોએ દિવસ દરમિયાન જમવાની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે જેમકે જો કોઈ વ્યકિત દિવસ દરમિયાન ૪-૫ વખત જમતો હોય તો તે હવે માત્ર ૨-૩ ટાઈમ જ ભોજન ગ્રહણ કરે છે. આ ઉપરાંત ૨૪ ટકા પરિવારોએ અનાજ ઉધાર લીધું હતું. સર્વેક્ષણમાં ૮૪% પરિવારોએ જણાવ્યું હતું કે પીડીએસ દ્વારા તેમને રાશન મળ્યું છે, પરંતુ અન્ય કુટુંબો વચિંત રહ્યાં છે. આ અધ્યયનમાં આગામી ખરીફ પાકની સીઝનમાં પીડીએસ અને કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા કરવામાં આવેલા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.

આ સર્વેક્ષણ ૨૮મી એપ્રિલથી બીજી મે વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ રાજયના ૪૭ જિલ્લા અને તેમા રહેતા ૫૧૬૨ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. સર્વે કરવા માટે સીએસઓ ૧૨ રાજયોમાં પહોંચ્યા હતા જેમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ અને કર્ણાટકનો સમાવેશ કરવામાં આવે છે. આ સર્વેમાં ગ્રામીણ ઘરોમાં બાળકોના શિક્ષણ પર કોવિડની અસર વિશે ચેતવણી આપવામાં આવી છે.

આ સર્વેક્ષણ PRADAN દ્વારા એક સહભાગી અભ્યાસ હતો, જે એકશન ફોર સોશિયલ એડવાન્સમેન્ટ, BAIF, ટ્રાન્સફોર્મ રૂરલ ઇન્ડિયા ફાઉન્ડેશન, ગ્રામીણ સહારા, SAATHIUP અને ધ અગા ખાન ગ્રામીણ સપોર્ટ પ્રોગ્રામ (ભારત)નો વિકાસ અનવેશ ફાઉન્ડેશન અને સંબોધિના સંશોધનના સમર્થનથી પૂર્ણ થયો છે.

આ અધ્યયનમાં સર્વેક્ષણ કરતા એક તૃતીયાંશ કરતા વધુ પરિવારોમાં ઝડપથી ઘટી રહેલા સ્ટોક વિશે ચેતવણી આપવામાં આવી છે. લગભગ એક તૃતીયાંશ પરિવારોએ કહ્યું હતું કે તેમનો ખરીફ સ્ટોક ફકત મે-અંત સુધી ચાલશે. સર્વેમાં એ પણ દર્શાવ્યું છે કે એક તૃતીયાંશ પરિવારો પાસે આગામી ખરીફ સીઝન માટે બીજ નથી અને લોન મળવાની પણ અપેક્ષા ઓછી છે.(૨૧.૧૦)

 

લોકડાઉનના ૫૦ દિવસ

સંક્રમણમાં વધારો, મૃત્યુદર પર નિયંત્રણ

દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કયા કયા પરિવર્તન આવ્યા?

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાં લોકડાઉનના ૫૦ દિવસ આજે પુરા થયા છે. આ સમયગાળામાં સંક્રમણ ૧૧૪ ગણું વધ્યું પણ આરોગ્ય મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલા આંકડાઓ અનુસાર ભારતમાં મૃત્યુદર સરેરાશથી લગભગ અડધો છે. આજ પ્રકારે સાજા થવાનો દર પણ ત્રણ અઠવાડિયામાં પાંચ ગણો વધ્યો છે. તે ૨૫ માર્ચે ૬.૫ ટકા હતો જે હવે ૩૧.૨ ટકા થઇ ગયો છે. આજ પ્રમાણે એક વ્યકિતથી બીજી વ્યકિતને સંક્રમણનો દર ૧૨ ટકાએ સીમીત છે.

લોકડાઉન દરમિયાન માણસોની જીવન શૈલીમાં પણ ઘણાં ફેરફારો થયા છે. જેમાં ભણવાનું ઓનલાઇન થયું છે, વર્ક ફ્રોમ હોમ એટલે કે લોકો ઓફિસે જવાના બદલે લોકો ઘરે રહીને કામ કરતા થયા છે. એક સર્વે અનુસાર, ૮૯ ટકા લોકોએ કહ્યું કે અમે આરોગ્ય બાબતે વધુ સજાગ રહીશું. ગ્રામ્ય વિસ્તારોમાં ૬૮ ટકા લોકો હેન્ડવોશ અને સેનેટાઇઝર વાપરી રહ્યા છે.

અન્ય ફેરફારો જોઇએ તો ઓનલાઇન શોપીંગ ૪૬ ટકાથી વધીને ૬૪ ટકા થયું છે, તો દિલ્હી મેટ્રોમાં કોન્ટેકટલેસ ટીકીટીંગ, બસ, મેટ્રોમાં મુસાફરોની ઓછી સંખ્યા જેવી જોગવાઇઓ પણ કરાઇ છે. એ જ રીતે ડીજીટલ પેમેન્ટ સીસ્ટમમાં પણ વધારો થયો છે.

(10:24 am IST)