Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ગેહલોત સરકાર પગલા નહીં લે તો ટેકો પરત ખેંચી લેવાશે

અલવર ગેંગરેપને લઇને માયાવતીની ચેતવણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભાજપના લીડરો જાય છે ત્યારે તેમના પત્નિ પણ ભયભીત રહે છે : માયાવતીનો અંગત આરોપ

લખનૌ,તા. ૧૩ : અલવર ગેંગરેપને લઇને બસપ વડા માયાવતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો છે. માયાવતીએ હવે મોદી ઉપર અંગત પ્રહાર કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે, મોદી બહેનો અને પત્નિઓનું માન સન્માન કરવાનું જાણી શકે નહીં. કારણ કે, તેઓ પોતે પોતાના પત્નિને રાજકીય લાભ માટે ખુબ પાછળ છોડી ચુક્યા છે. એટલું જ નહીં બસપના વડાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓની પત્નિઓ પણ પોતાના પતિઓના મોદીની નજીક જવાથી ભય અનુભવ કરે છે. માયાવતીના આ પ્રહાર બાદ ભાજપે વળતા આક્ષેપ કરતા કહ્યું છે કે, માયાવતીના પરિવારવાદના કારણે આ પ્રકારના આક્ષેપો થઇ રહ્યા છે. ભાજપે કહ્યું છે કે, મોદી સાથે આટલી નફરત કેમ કરવામાં આવી રહી છે તે વાત સમજાઈ રહી નથી. પરિવાર કરતા દેશને વધારે મહત્વ આપી રહ્યા છે તેના કારણે મોદી સાથે નફરત કરવામાં આવી રહી છે. માયાવતીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, મોદી પહેલા અલવર દલિત ગેંગરેપને લઇને મૌન હતા પરંતુ તેમના નિવેદન બાદ એકાએક આક્ષેપબાજી ઉપર ઉતરી આવ્યા છે. ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઇ શકે તે માટે આક્ષેપબાજી પર લાગી ગયા છે જે ખુબ જ શરમજનક બાબત છે. બીજાની બહેનો, પુત્રીઓ અને પત્નિઓનું સન્માન કરવાની બાબત મોદી સમજી શકે તેમ નથી. કારણ કે, મોદી પહેલાથી જ તેમના પત્નિને છોડી ચુક્યા છે. ભાજપે આક્ષેપ કરતા કહ્યું છે કે જે શબ્દોનો ઉપયોગ વડાપ્રધાન માટે કરવામાં આવ્યો છે તે ખુબ જ તકલીફ આપે તે પ્રકારનો છે. મોદીએ પરિવાર કરતા દેશને વધુ મહત્વ આપી રહ્યા છે. માયાવતીએ કહ્યું છે કે, રોહિત વેમુલા મામલામાં ભાજપ સરકારે કેન્દ્રીયમંત્રીના રાજીનામાની પણ માંગ કરી ન હતી. પોતાની નૈતિક જવાબદારી લઇને રાજીનામુ આપવાની ઓફર કરી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને ચેતવણી આપતા માયાવતીએ કહ્યું છે કે, જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ સરકારને ટેકો પાછો ખેંચી લેવામાં આવશે.

(7:22 pm IST)