Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બોલો લ્યો... ૪૨% MD અને ૩૮% ડોકટર્સ ખોટી રીતે તપાસે છે બીપી !

નર્સોમાં આ આંકડો ઓછો : ૩૨% નર્સને બીપી માપતા નથી આવડતું

લખનૌ તા. ૧૩ : આમ તો બ્લડ પ્રેશર દરેક નાના-મોટા દવાખાનામાં જાવ એટલે માપવામાં આવે છે. પરંતુ આ બ્લડ પ્રેશર સાચુ માપ્યુ કે ખોટું તે કહેવું થોડું મુશ્કેલ છે. થોડા સમય પહેલા લખનૌમાં આવેલ દેશની પ્રતિષ્ઠિત કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં કરવામાં આવેલ એક સંશોધનાત્મક સર્વેમાં સામે આવ્યું છે કે ૪૨% MD ડોકટરને ખબર જ નથી કે તેઓ ખોટી રીતે બ્લડ પ્રેશર માપે છે. જયારે ૩૮% MBBS ડોકટર્સ પણ બ્લડ પ્રેશર સાચુ માપવામાં ભૂલ કરે છે. જોકે નર્સોમાં આ આંકડો થોડો ઓછો છે. ૩૨% નર્સ એવી છે જેમને સાચી રીતે બ્લડ પ્રેશર માપતા નથી આવડતું.

હાઈપરટેન્સના શિકાર દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે કે તેમના બીપીનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવે. આ વાત રવિવારે KGMUના ફિઝિયોલોજી વિભાગના ડોકટર નરસિંહ વર્માએ યોજવામાં આવેલ હાઈપરટેન્શન અંગેના એક આયોજિત કાર્યક્રમ દરમિયાન કહી હતી. આ સપ્તાહને હાઈપરટેન્શન સપ્તાહ તરીક ઉજવવામાં આવે છે ત્યારે રવિવારે યોજાયેલ ડોકટર્સ અને નર્સોને દર્શાવવામાં આવ્યું કે કઈ રીતે દર્દીનું સાચુબ્લડ પ્રેશર માપવામાં આવે છે

ડોકટર નરસિંહે કહ્યું કે, 'બ્લડ પ્રેશર માપવા પહેલા હાથ પરથી કપડાને હટાવી દો અથવા પાતળું કપડું રાખો. કપડું સમતલ હોવું જોઈએ. બ્લડ પ્રેશર જેનું લઈ રહ્યા હોવ તે દર્દી પગની આંટી મારીને બેઠો ન હોય તેનું ધ્યાન રાખો. સાથે જ દર્દીને ખુરશીનો ટેકો લઈને બેસાડો. જો ખુરશી પર ટેકા વગર દર્દી બેસે તો પણ બ્લડ પ્રેશરમાં ૫-૧૦ પોઇન્ટો ફરક આવી શકે છે. જે ઈલાજની દ્રષ્ટીએ ખૂબ જ વધારે ગણાય.'

(3:49 pm IST)